
દિલ્હીમાં ચાલુ બસમાં દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના ગુજરાતમાં બની છે. જેમાં દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે બસમાં ડ્રાઇવર અને કંડક્ટરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે અમરદીપ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં મધ્યપ્રદેશના રાજગઢથી એક મહિલા મજુરી માટે મોરબીના હળવદ ખાતે જઈ રહી હતી. તે દરમિયાન દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે ચાલુ બસમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરે વારાફરતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બસમાં રાત્રિના સમયે મુસાફરો આરામ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર-કંડકટરે દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પીડિત મહિલાએ મોરબી ખાતે મહિલા હેલ્પલાઇન નંબર 181ને જાણ કરી હતી. મોરબીમાં બસ ચાલક અને કંડકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જોકે, આ ફરિયાદને ટ્રાન્સફર કરાતા દાહોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ ગુજારનારા બસના ડ્રાઈવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.