ગૂગલ-અમેઝોન સહિતની ટેક કંપનીઓમાં હજારોની છટણી કરાઇ

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની ટોચની ટેક્નોલોજી કંપનીઓ ગૂગલ અને ઓનલાઈન શોપિંગ કંપની અમેઝોને ફરી એક વખત નવા વર્ષમાં મોટાપાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે.  ગૂગલે તેના ડિજિટલ આસિસ્ટન્ટ, હાર્ડવેર અને એન્જિનિયરિંગ ટીમમાંથી અનેક કર્મચારીઓને કાઢી મૂક્યા છે જ્યારે રીટેલ સર્વિસ કંપની અમેઝોને પણ મોટાપાયે છટણીની તૈયારી શરૂ કરી છે. બંને ટેક્નોલોજી કંપનીઓમાં છટણી વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભુત્વના સંકેત આપે છે.

આલ્ફાબેટની માલિકીની કંપની ગૂગલે કહ્યું છે કે અત્યારે કંપની ખર્ચ ઘડાટવા માટે કર્મચારીઓની છટણીનું અભિયાન ચાલુ રાખશે. જે લોકોએ નોકરી ગુમાવી છે તેમાં વોઈસ બેઝ્ડ ગૂગલ આસિસ્ટન્ટ અને ઑગમેન્ટેડ રિયાલિટી હાર્ડવેર ટીમના કર્મચારીઓનો સમાવેશ થાય છે. છટણીની આ પ્રક્રિયામાં ગૂગલના સેન્ટ્રલ એન્જિનિયરિંગ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓ પર પણ અસર થઈ છે.

ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે, વર્ષ ૨૦૨૩ના બીજા છ માસમાં અમારી ટીમોએ વધુ કુશળ અને અસરકારક બનવા અને તેમના સંશાધનોને પોતાના કરતા વધુ મોટી ઉત્પાદન પ્રાથમિક્તાઓ સાથે ઓનલાઈન કરવા માટે અનેક ફેરફાર કર્યા છે. કેટલીક ટીમો આ પ્રકારના સંગઠનાત્મક ફેરફાર કરવાનું ચાલુ રાખશે, જેમાં વૈશ્વિક સ્તર પર કેટલીક ભૂમિકાઓને ખતમ કરવામાં આવશે.

કંપનીએ કહ્યું કે, અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ આપવાનું શરૂ થઈ ગયું છે અને તેમને ગૂગલમાં જ ખાલી પદો પર અરજી કરવાની તક અપાશે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ એક્સ પર  આલ્ફાબેટ વર્કર્સ યુનિયને કર્મચારીઓની મોટાપાયે છટણી કરવાના પગલાંની ટીકા કરી છે અને કંપનીના આ પગલાંને બિનજરૂરી ગણાવ્યું છે. યુનિયને લખ્યું છે, અમારા સભ્યો અને ટીમના સાથી અમારા વપરાશકારો માટે ખૂબ જ સારા ઉત્પાદન બનાવવા માટે દરરોજ આકરી મહેનત કરે છે અને કંપની દરેક ત્રિમાસિકમાં અબજો રૂપિયાની કમાણી કરવા છતાં અમારા સહકર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે. અમારી નોકરીઓ સુરક્ષિત ના થઈ જાય ત્યાં સુધી અમે લડવાનું બંધ નહીં કરીએ.

બીજીબાજુ ઈ-કોમર્સ કંપની અમેઝોને પણ ફરી એક વખત છટણીની તૈયારી કરી છે. કંપની તેના પ્રાઈમ વીડિયો અને એમજીએમ સ્ટુડિયો બિઝનેસમાં સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. કંપનીના એન્ટરટેઈનમેન્ટ ચીફ માઈક હોપકિન્સે કર્મચારીઓને એક ઈમેલ મોકલીને છટણીની જાહેરાત કરી હતી. તેમણે ઈ-મેલમાં લખ્યું છે, આ એક મુશ્કેલ નિર્ણય છે અને હું તથા મારી લીડરશિપ ટીમ તેને હળવાશથી નથી લઈ રહી.

હોપકિન્સે ઈ-મેલમાં વધુમાં લખ્યું છે, અમે રોકાણ વધારતા કેટલાક ક્ષેત્રોમાં રોકાણ ઓછું કરવા અથવા બંધ કરવાની તકો ઓળખી કાઢી છે અને સૌથી વધુ અસરગ્રસ્ત કન્ટેન્ટ તથા પ્રોડક્ટ ઈનિશિયેટિવ પર ફોકસ કર્યું છે. પરિણામે અમે પ્રાઈમ વીડિયો અને અમેઝોન એમજીએમ સ્ટુડિયો ઓર્ગેનાઈઝેશનમાં સેંકડો ભૂમિકાઓ ખતમ કરી દઈશું.

ઉપરાંત અમેઝોનની લાઈવ ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વીચે પણ છટણીની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ કંપની આ સપ્તાહે તેના ૩૫ ટકા કર્મચારી એટલે કે અંદાજે ૫૦૦ લોકોની છટણી કરશે. 

ટ્વીચે ગયા વર્ષે અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેની અનેક સેવાઓ દક્ષિણ કોરિયા ટ્રાન્સફર કરી હતી. 

વધુમાં અન્ય એક કંપની ઝેરોક્સે પણ ૨૩,૦૦૦ કર્મચારીઓમાંથી ૧૫ ટકાથી વધુની છટણીની જાહેરાત કરી છે. વીડિયોગેમ સોફ્ટવેર પૂરું પાડનાર યુનિટી સોફ્ટવેરે પણ કહ્યું હતું કે, તે ૧,૮૦૦ લોકોને નોકરીમાંથી કાઢી મુકશે.

ગૂગલની માલિક આલ્ફાબેટ, ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા અને અમેઝોને વર્ષ ૨૦૨૩માં પણ અંદાજે કુલ ૪૦,૦૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરી હતી. ગૂગલ અને માઈક્રોસોફ્ટ હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા માટે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે. આથી, બંને કંપનીઓ તેમનું મોટાભાગનું કામ એઆઈ ટેક્નોલોજીમાં ટ્રાન્સફર કરી રહી છે.