ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, ભુતાવીની મોત પર યુએનની મોહર

યુએનએ ભુતાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ભુતાવી હાફિઝ સઈદનો ડિપ્ટી પણ હતો. લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું મોત થયું છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે ભુતાવીના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે. આ કન્ફર્મેશન 7 મહિના પછી આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હાફિઝ અબ્દુલ સલામ ભુતાવી હાફિઝ સઈદનો ડિપ્ટી હતો અને તેણે મુંબઈ હુમલામાં સામેલ ઓપરેટિવ્સને તાલીમ આપવામાં ભૂમિકા ભજવી હતી.

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે હાફિઝ સઈદની અટકાયત કરવામાં આવી ત્યારે ભુતાવીએ ઓછામાં ઓછા બે વખત લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના કેરટેકર તરીકે કામ કર્યું હતું.

હાફિઝ સઈદને નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના થોડા દિવસો બાદ નજરકેદ કરવામાં આવ્યો હતો અને તે જૂન 2009 સુધી કસ્ટડીમાં રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભુતાવી જૂથની રોજબરોજની કામગીરી સંભાળતો હતો અને સંસ્થા વતી સ્વતંત્ર નિર્ણયો લેતો હતો. હાફિઝ સઈદની પણ મે 2002માં અટકાયત કરવામાં આવી હતી.

ભુતાવી લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના મુખ્ય વ્યક્તિઓમાં સામેલ હતો. તે સંગઠનના સભ્યોને સૂચના આપતો હતો અને લશ્કર અને જમાત-ઉદ-દાવાના ઓપરેશન માટે ફતવા બહાર પાડતો હતો. તેના ભાષણો દ્વારા, તેણે નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા માટે ઓપરેટિવ્સને તૈયાર કરવામાં મદદ કરી હતી. મુંબઈ હુમલામાં 150 થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

ભુતાવી લશ્કર અને જેયુડીના મદરેસા નેટવર્ક માટે જવાબદાર હતો. 2002ના મધ્યમાં, તે પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સંગઠનાત્મક આધારની સ્થાપનાનો હવાલો સંભાળતો હતો. ભુતાવીનું 29 મે 2023 ના રોજ પંજાબ પ્રાંતના મુરીદકેમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે સમયે તે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો.