સ્માર્ટ સિટી કે વિનાશ? સીટીસ્માર્ટ સીટી પ્રોજેક્ટની ડેડલાઇન નજીક આવતા ધારાધોરણ અને માપ દંડ વિસરાયા..??

  • દાહોદમાં રોડ અપગ્રેડેશનની કામગીરીમાં રાખી કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવતી હોવાની બૂમો.
  • કામ કરનાર એજન્સી તેમજ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની તેમજ નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે કામોમાં લીપાપોતી.
  • કોઈક જગ્યાએ ફૂટપાથ મોટા કરાતા રસ્તા સાંકડા થયાં, તો કોઈક જગ્યાએ લેવલિંગનો અભાવ.
  • બોક્સ કટીંગ રોડ ની જગ્યાએ જુના રસ્તા ઉપર ડામરીકરણ કરતા રોડ લેવલ ઊંચા થયા.
  • સ્માર્ટ રોડની કામગીરીમાં ગુણવત્તા સામે સવાલ.? સુપરવિઝન સામે પણ આંગળી ચિંધવાની શરૂ થઈ.

દાહોદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં સમગ્ર દેશભરમાંથી એકમાત્ર દાહોદ નગરપાલિકાનો સમાવેશ કરતા 1000 કરોડ ઉપરાંતના માતબર રકમના ખર્ચે અનેકવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી કમાંડ ટએન્ડ કંટ્રોલ સેન્ટર, સિધ્ધરાજ જયસિંહ છાપ તળાવ, તેમજ એસટીપી પ્લાન્ટ અને બાદ કરતા ભગર્ભ સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટ, તેમજ રોડ અપડેટેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા માર્ટ સીટી મિશનમાં નક્કી કરેલા ધારાધોરણ તેમજ માપદંડોને તાક પર મૂકી વેઠ ઉતારાતી હોવાનું ચર્ચા રહ્યું છે. સૌપ્રથમ વાત કરીએ તો ભૂગર્ભ ગટરમાં માપ અને સાઈઝ મુજબ ગટરની ટાંકી ચેમ્બર અથવા પાઇપલાઇન નાખવામાં આવી છે. એક મોટો પ્રશ્ર્ન છે. ઘણી ખરી જગ્યાએ તો ભૂગર્ભ ગટર નાખવાનું બાકી હોવા છતાંય એજન્સી દ્વારા ગટર જોડાણ ચાલુ કરી દીધા લાઈન ચોક થયાના બનાવો સામે આવી રહ્યા છે. તો રતલામી સેવ ભંડારની આગળ ભગર્ભ ની લાઈન નાખેલી ન હોવાથી ભૂગર્ભ ગટરને સ્ટ્રોમ વોટરના ચેમ્બરમાં જોડાણ કરી દેવામાં આવ્યુ છે. અધૂરામાં પૂરૂં સ્ટ્રોમ વોટરના ચેમ્બરમાંથી શુદ્ધ પાણીની પીવાની પાઇપ લાઈન નાખી દેવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ ભુગર્ભ ચેમ્બર માંથી ગુજરાત ગેસની પાઇપ લાઇન નાખી દેવામાં આવી છે. તો વિચાર કરો કે સ્માર્ટ સિટી અંતર્ગત કામ કરનાર એજન્સી સ્માર્ટ સિટી મિશનને મજાક સમજીને બેઠી છે. આ તમામ કામગીરી પર સુપરવિઝન અને બિલ મૂક્યા બાદ કંપલીટેશન સર્ટી આપનાર અધિકારીઓની જવાબદારી નક્કી થતી નથી. કે તેઓ સ્થળ પર જઈને કામની ચકાસણી કરે. આ તમામ બાજુઓને સાઈડ પર મૂકીએ તો જે ભુગર્ભનું જોડાણ સ્ટ્રોમમાં અને સ્ટ્રોંમમાંથી પીવાની પાઇપલાઇનમાં આમ એકબીજાના ચેમ્બરમાંથી બધું મિક્સ કરી દેવામાં આવ્યું છે. તો વિચાર કરો કે ભૂગર્ભનું પાણી સ્ટ્રોમ વોટરમાં જશે અને તેમાંથી પસાર થતી પીવાની પાઇપલાઇનમાં દૂષિત પાણી પીવાની પાઇપલાઇનમાં મિક્સ નહીં થાય તેની ગેરંટી કોની ? આ એક મોટો પ્રશ્ર્ન છે એટલું જ નહીં સ્માર્ટ રોડ અપડેટેશન કામગીરી અંતર્ગત નક્કી કરાયેલા દસ રસ્તાઓને પહોળા કરવા માટે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ઘણા બધા વેપારીઓ વિસ્થાપિત થતા તેઓ આજે પણ રોજગાર માટે દરદર ભટકી રહ્યા છે. તેમ છતાંય શહેરીજનો એમ માનીને બેઠા હતા કે ભલે ડિમોલેશન થયું પરંતુ દાહોદ સ્માર્ટ સીટી તો બનશેને પરંતુ જે પ્રકારે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પોલા કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં હલકી ગુણવત્તા વાળું તેમજ નક્કી કરેલા ધારા ધોરણ કે માપદંડ વગર માત્ર વેઠ ઉતારતા હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો તમામ રસ્તાઓ બોક્સ કટીંગ કરીને બનાવવાના હતા. પરંતુ સ્માર્ટ સિટી મિશનની નજીક આવતા કામ વહેલું પૂર્ણ કરવાની લાયમાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ બાબતોની સિલસિલા બંધ વિગતો, સ્માર્ટ સિટી અંતર્ગત કરેલા દરેક કામોમાં એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ખરેખર કેવા પ્રકારની કામગીરી કરવાની હતી? તેની જગ્યાએ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. આ તમામ બાબતોની સિલસિલા બંધ વિગતો અમે અમારા માધ્યમ થકી આપ સૌ દર્શકોને બતાવીશું. તેમાં કોઈ બેમત નથી.