લુણાવાડા, મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી ગામની નુતન હાઇસ્કુલ ખાતે ગોધરા નેહરૂ યુવા કેન્દ્ર અને મહીસાગર જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ અને રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના જીલ્લા અધિકારી વિઠ્ઠલ ચોરમોલે અને જીલ્લા ટ્રાફિક પીએસઆઈ એચ બી સિસોદિયા સહીત અગ્રણીઓના હસ્તે વકતૃત્વ અને સાંસ્કૃતિક સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યુ હતું. તેમજ યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીનો સંદેશ ભવિષ્યનું લક્ષ નક્કી કરી જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે અથાગ પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ યુવા વર્ગને માય ભારત એપ્લીકેશનનું મહત્વ સમજાવી ઈંસ્ટોલેશન કરાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ યુવા દિવસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રેરક ઉદ્દબોધન સાંભળ્યું હતું. ઉપરાંત ટ્રાફિક અવેરનેસ અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. નેહરૂ યુવા કેન્દ્રના જીલ્લા અધિકારી, કર્મચારીઓ, જીલ્લા ટ્રાફિક પીએસઆઈ, બાકોર પીએસઆઈ સી.કે.સિસોદિયા તથા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને લીંબડીયા ચોકડી ખાતે રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા, અવરજવર કરતા વાહન ચાલકોને સીટ બેલ્ટ, હેલ્મેટ જેવી સુરક્ષા રાખવા ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતા તથા રાત્રી દરમિયાન પસાર થતી વખતે વાહનો દૂરથી દેખાય તે માટે રેડીયમ પટ્ટી લગાવી સુરક્ષિત કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર પ્રેકટીકલ તાલીમથી ખુબ ખુશી વ્યક્ત કરી નહેરૂ યુવા કેન્દ્ર અને જીલ્લા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય એન આર પટેલ તેમજ નેહરૂ યુવા કેન્દ્ર પ્રવૃત્તિ ક્ધવીનર એન.સી.પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે સહયોગ આપી શાળાના બાળકોમાં ટ્રાફિક જાગૃતિ માટે માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.