- રામ મંદિર થીમવાળી પતંગનો રસીયાઓ માટે ક્રેઝ.
ગોધરા, ઉતરાયણના પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે ગોધરાના બજારમાં પતંગ અને દોરીના ભાવમાં 20 ટકાનો વધારો છે. તેમ છતાં પતંગ રસીયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી, પંજાબી રામપુરી ખંભાતીમાં અડદિયા પોણીયા કટીંગ મેટલ છોટા ભીમ સહિત પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે.ત્યારે ગોધરા શહેરના કિરણભાઈ પટેલ એ આ વખતે 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામનાં મદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.ત્યારે તેઓએ પોતે શ્રીરામ મંદિરની ડીઝાઇન તૈયાર કરીને વડોદરાના કારીગર પાસે પતંગ તૈયાર કરાવી છે.
જે હાલ ગોધરા શહેરના યુવાનોમાં ભારે માંગ ઉઠવા પામી છે.રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે, આ પતંગ ચાર ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસ્વીર છે. એટલું જ નહિ પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે. ગોધરા શહેરના પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે. તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે. ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે. જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે. ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે.માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ની તસ્વીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ગોધરા શહેરના ગણેશ પતંગ ભંડારના કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનના મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આ દિવસને વિશેષ બનાવવા માટે તેઓએ પોતે ડિઝાઇન તૈયાર કરીને ભગવાન શ્રીરામ મંદિર ઉપર ચાર ફૂટની પતંગ વડોદરાના કારીગર સાથે તૈયાર કરાવી છે. ત્યારે આ પ્રકરણનો ક્રેઝ ગોધરા નગરના નવ યુવાનોમાં વધારે જોવા મળી રહ્યો છે. તેઓએ 500 થી 700 નંગ પતંગ તૈયાર કરાવ્યા હતા જેનો પહેલાથી જ એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું.ત્યારે ફરી એક વખત ગોધરાના નવ યુવાનો આ પતંગનો ઓર્ડર આપવા માટે આવી રહ્યા છે, પરંતુ ઉત્તરાયણ નજીક આવી ગઈ છે. એટલે કારીગર તેને પહોંચી વળે તેવી પરિસ્થિતિ નથી.જેથી પ્રેમથી બધાને ના પાડીએ છે અને 22મી જાન્યુઆરીના સ્પેશીયલ દિવસને લઈને આ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ગોધરા શહેરમાં ગણેશ પતંગ ભંડારમાં પતંગની ખરીદી કરવા આવેલ રીધમભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વ તો અમે મનાવીશું જ પરંતુ 22 મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આ દિવસને અમે વિશેષ બનાવવા માટે 14 મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી આકાશમાં ભગવાન શ્રીરામની પતંગ ચગાવીશું.