હાલોલ, હાલોલ તાલુકાના ઢીંકવા ગામે આવેલી જે.આઈ.ભણસાલી સાર્વજનિક હાઈસ્કૂલમાં તા.12-01-24 ને શુક્રવારના રોજ ‘સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ- રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સોળ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ ‘સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ’ આ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વર્ષે આખો દેશ જ્યારે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ હર્ષોલ્લાસથી ઉજવી રહ્યો હોય ત્યારે શાળા-કોલેજોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થાય તે ઈચ્છનીય છે. સ્વામી વિવેકાનંદ ખાસ કરીને યુવાવર્ગના ખૂબ આદર્શ છે. તેમના વિશે કંઈક બોલવું એ આપણા માટે આનંદની વાત કહી શકાય. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ધો.10ની વિદ્યાર્થીની પરમાર મહેશ્વરીબેન કિરણસિંહ એ મેળવ્યો હતો. જ્યારે દ્વિતીય ક્રમાંકે વણકર યશકુમાર ડી. અને તૃતીય ક્રમાંકે સોલંકી પ્રતિક્ષાબેન એચ. રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઈનામો પણ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયકો તરીકેની ભૂમિકા શાળાના શિક્ષકો મહેશકુમાર બી. પટેલ અને મિતલબહેન પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી. ઉપરાંત શાળાના આચાર્ય પ્રવિણભાઈ પટેલીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો ચાંદનીબેન શાહ તથા અંકિતાબેન પરમારે પણ પોતાનું યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જયદીપસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.