મોરવા(હ),\ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી પીએમઓ બાદ, નકલી સીએમઓ અને નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલનાકુ અને હવે નકલી વિજીલન્સ પણ અસલી પોલીસના હાથે ઝડપાઈ હોવાનો કિસ્સો પંચમહાલના મોરવાહડફ પોલીસ મથકે નોંધાયો છે. સંતરોડની મહિલાના ઘરે દંડા પછાડી દારૂની રેડ કરવા પહોંચેલા ચાર નકલી વિજીલન્સ જવાનોએ મહિલાના દાગીના ગીરવે મુકાવી 40,000 પડાવી લીધા હતા. જો કે ચારે ગઠીયા ભાગી છૂટે તે પહેલાં જ સાલીયા આઉટ પોસ્ટની અસલી પોલીસે ઝડપી પાડી તેમની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં ભારે હાહાકાર મચાવનાર આ કિસ્સાની વિગત એવી છે કે મોરવાહડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલ પોતાના ઘરઆંગણે દુકાન ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે એક સફેદ રંગની કારમાં ધસી આવેલા ચાર યુવાનોએ દંડા પછાડી તમે દારૂનો ધંધોકરો છો, અમે ગાંધીનગર વિજીલન્સમાંથી આવીએ છીએ, તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી. જડતી દરમ્યાન તેમના હાથમાં કંઇ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઇ આવી મહિલાને જણાવ્યું હતું કે, આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે. મહિલાએ કરગરતા કહ્યું હતું કે, ભુતકાળમાં અમે દારૂનો ધંધો કરતા હતા પરંતુ પોલીસે પાડેલા દરોડામાં મારા પતિ અર્જુનભાઇ પટેલની ધરપકડ કર્યા બાદ અમે દારૂનો ધંધો છોડી દીધો છે તેમ છતાં આ ચારેય શખ્સોએ દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું. તેમ જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. મહિલાએ કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી, પરંતુ મારા દાગીના ગીરવે મુકી હું તમને પૈસા આપું. આવું કશું કરશો નહીં. મહિલા એકલી ઘરમાં હોવા છતાં આ ટોળકીએ દાદાગીરી કરી ઘરઆંગણે ખુરશી ઢાળી અડીંગો જમાવ્યો હતો. મહિલા પોતાની સોનાની ચેઇન લઇ સાલીયા બજારમાં સોનીના ત્યાં ગીરવે મુકવા ગઈ હતી, જેના ઉપર તેને 40,000 મળ્યા હતા. આ નાણાં લઇતે આ ચારેય શખ્સો પાસે આવી તેમને પૈસા આપ્યા હતા. આ સમયગાળા દરમ્યાન મહિલાનો જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતા તેણે નાણાં લેનાર અને પોતાને વિજીલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખ્સો પાસે ઓળખકાર્ડની માંગણી કરી હતી. જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા. તું અમારૂં ઓળખકાર્ડ માંગનાર કોણ તેમ કહી વિવાદ પર ઉતર્યા હતા. મામલો વણસતા સાલીયા પોલીસને બનાવની જાણ થઇ હતી અને ચારેય શખ્સોને સાલીયા આઉટ પોસ્ટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચારેય નકલી વિજીલન્સ સ્ટાફ હોવાનો પર્દાફાશ થતા પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે.આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસ ચોકી પાસે, મણીનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે.સુર્યકિરણ કોમ્પ્લેક્ષ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જીતુભાઇ રમણભાઈ ઓડ (રહે.આતરસુંબા, ઓડવાસ, તા.કપડવંજ) અને મનુભાઇ રયજીભાઈ રાવળ (રહે.ધોળાકુવા, ઠાકોરવાસ, ગાંધીનગર) સામે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.