રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચારેય પ્રમુખ પીઠના શંકરાચાર્યો કેમ ગેરહાજર રહેવાના છે તેની પાછળના તાર્કિક કારણો.

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે શંકરાચાર્યોએ અંતર જાળવી રાખ્યો છે. શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જેમ ખ્રિસ્તી ધર્મમાં પોપનું સ્થાન છે તેવું જ સ્થાન હિંદુ ધર્મમાં શંકરાચાર્યોનું છે. દેશની 4 પ્રમુખ પીઠ છે અને દરેક પીઠના અધિપતિ તેના શંકરાચાર્ય છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચારેય પ્રમુખ પીઠના શંકરાચાર્યો ગેરહાજર રહેવાના છે જેની પાછળના તેમના તાર્કિક કારણો છે. સૌથી મહત્વનું કારણ જે શંકરાચાર્યોએ આપ્યું છે તે એ છે કે મંદિર હજુ સંપૂર્ણ બન્યું નથી અને જેનું નિર્માણ અધુરુ હોય તે મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે અને તેમ છતા જો એવું આચરણ કરવામાં આવે તો પછી એ મૂર્તિમાં ભગવાનનો વાસ હોતો નથી. શંકરાચાર્યોનું સ્થાન હિંદુ ધર્મમાં સર્વોચ્ચ છે અને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ નથી એટલે સ્વભાવિક છે કે તેના પડઘા પડી શકે. આવા સમયે શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવાના જે તર્ક આપ્યા તે અંગે ધર્માચાર્યો શું માને છે. ધર્મશાસ્ત્ર આ બાબતે શું કહે છે. 

  • રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચારેબાજુ ચર્ચા
  • શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો 
  • ચાર પીઠમાંથી ત્રણ પીઠના શંકરાચાર્યોએ હાજરી આપવાનું નકાર્યું 

રામમંદિર મુદ્દે થતી રાજનીતિ
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચારેબાજુ ચર્ચા છે. શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો તેમજ ચાર પીઠમાંથી ત્રણ પીઠના શંકરાચાર્યોએ હાજરી આપવાનું નકાર્યું છે, શંકરાચાર્યોના હાજરી ન આપવા પાછળના તર્ક છે અને રામમંદિર મુદ્દે થતી રાજનીતિથી પણ શંકરાચાર્યો નારાજ છે

ક્યા પીઠના શંકરાચાર્યએ ઈન્કાર કર્યો?
સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી
ગોવર્ધન પીઠ, જગન્નાથપુરી

સ્વામી સદાનંદ મહારાજ
શારદાપીઠ, દેવભૂમિ દ્વારકા

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
જ્યોતિર્પીઠ, ઉત્તરાખંડ

સ્વામી ભારતી કૃષ્ણતીર્થ
શૃંગેરી મઠ, ચિકમંગલૂર
 
શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ શું કહ્યું?
PM રામની મૂર્તિને સ્પર્શ કરશે, પૂજા કરશે તો હું શું તાળી વગાડીશ?, હું શંકરાચાર્ય છું, મારા પદનું મને ધ્યાન છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા નું કામ સંતોનું છે, નેતાઓ તેનાથી દૂર રહે. વધુમાં કહ્યું કે, ભગવાન રામને અવતાર સમજીને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા થાય તો મૂર્તિમાં ભગવાન પ્રવેશે. વધુમાં કહ્યું કે, મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હોય અને સંતો અલગ રહે એવું કેમ બને?. મને મારા પદનું અભિમાન નથી પણ મારા પદની ગરિમા છે

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું?
તેમણે કહ્યું કે, અમારે વ્યક્તિગત રાગદ્વેષ નથી તેમજ શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરવું અને કરાવવું અમારું દાયિત્વ છે. વધુમાં કહ્યું કે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા માં શાસ્ત્રની ઉપેક્ષા થઈ રહી છે તેમજ મંદિર સંપૂર્ણ બન્યું નથી અને તેની પ્રાણપ્રતિષ્ઠા થાય છે તે અયોગ્ય છે. અચાનક જ પ્રાણપ્રતિષ્ઠા કરવી પડે એવી સ્થિતિ નથી. ધર્મશાસ્ત્રના આધારે અમે ચાલીશું અને લોકોને પણ એ જ માર્ગે ચાલવા કહીશું. પાપ-પુણ્યના બોધ ધર્મશાસ્ત્રથી જ મળે છે

આ પણ વાંચો : અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી ’આસ્થા’ ટ્રેન, દોડાવાશે

સ્વામી સદાનંદ સરસ્વતીએ શું કહ્યું?
સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, અમે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જઈ રહ્યા નથી.  શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રાણપ્રતિષ્ઠા થાય તેમજ મંદિર નિર્માણ શાસ્ત્ર મુજબ તો પ્રાણપ્રતિષ્ઠા પણ એ રીતે થાય તેમજ મંદિરના પૂજારીનું આચરણ પણ શાસ્ત્ર અનુસાર હોવું જોઈએ. કોઈ ઉપર વ્યક્તિગત ટિપ્પણી નથી કરવા માગતા

આ પણ હતો વિવાદ
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. ચંપત રાયે કહ્યું હતું કે રામમંદિર રામાનંદ સંપ્રદાયનું છે તેમજ શૈવશાક્ત અને સંન્યાસીઓને રામમંદિરથી દૂર રહેવા કહ્યું હતું. ચંપત રાયના નિવેદનનો અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે, ચંપત રાય રાજીનામું આપે. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે ચંપત રાય રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા ની તમામ જવાબદારી લે અને અવિમુક્તેશ્વરાનંદનો તર્ક હતો કે જ્યારે દાન એકઠું કર્યું ત્યારે મંદિર રાષ્ટ્રનું હતું.  હવે પ્રાણપ્રતિષ્ઠાની વાત આવી તો મંદિર કોઈ એક સંપ્રદાયનું કઈ રીતે હોય?