વોશિગ્ટન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું વિમાન ખતરનાક વાવાઝોડામાં ફસાઈ ગયું. જોકે એ તો સારું થયું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને કંઈ થયું નથી. મોટી દુર્ઘટના ટળી હતી. ખતરનાક વાવાઝોડામાં ફસાયા બાદ પ્લેનને વોશિંગ્ટન વિસ્તારના એરપોર્ટ તરફ વાળવાની ફરજ પડી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે હેરિસ જ્યોજયાના પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા.
યુએસ વાઇસ પ્રેસિડેન્ટના પ્રેસ સેક્રેટરી કર્સ્ટન એલને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ખરાબ હવામાનને કારણે પ્લેન જીએ એરફોર્સ ૨ને જોઈન્ટ બેઝ એન્ડૂઝથી ડ્યુલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. પ્લેનને વિન્ડ શીયરનો સામનો કરવો પડ્યો હતો, આ બાબતથી પરિચિત વ્યક્તિએ તેની ચર્ચા કરવા માટે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જેના કારણે અરાજક્તાનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈને ઈજા થઈ ન હતી.
વિમાનમાંથી ઉતર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું, ‘હું ઠીક છું, અમે બધા સુરક્ષિત છીએ.’ નોંધનીય છે કે વિન્ડ શીયર એટલે પવનની દિશામાં અથવા ગતિમાં અચાનક ફેરફાર જે ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન ખતરનાક બની શકે છે. આ પહેલા વર્ષ ૨૦૨૧માં કમલા હેરિસના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એર્ન્ડ્યુ પરત ફરવું પડ્યું હતું. જો કે, તે પછી પણ તેની સુરક્ષા માટે કોઈ મોટો ખતરો નહોતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે એક રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે હેરિસ તેમના બોસ જો બિડેન કરતાં વધુ સારા રાષ્ટ્રપતિ સાબિત થશે. તેમણે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં બિડેનથી ખરાબ કોઈ રાષ્ટ્રપતિ નથી.