નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીરા રેપ કેસમાં ૮ વર્ષની સજા

કાઠમંડ, નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેનેને એક સગીર સાથે બળાત્કાર કરવાના આરોપમાં ૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય કાઠમંડુની એક કોર્ટે સંભળાવ્યો છે. સંદીપને ૧૦ દિવસ પહેલા જ આ રેપ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. હવે સજા સંભળાવવામાં આવી છે. શિશિર રાજ ધાકલની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો છે. તેને વળતર અને દંડ સાથે ૮ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૧૭ વર્ષની એક છોકરીએ કાઠમાંડૂના એક પોલીસ સ્ટેશનમાં સંદીપ લામિછાને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે સમયે આ આરોપ લગાવવામાં આવ્યો તે સમયે સંદીપ વેસ્ટ ઈન્ડિઝમાં હતો અને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં જમૈકા તલ્લાવાહસ તરફથી રમી રહ્યો હતો. જ્યારે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે સંદીપને તરત જ દેશમાં પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે વોરંટ ઈશ્યુ થયા બાદ અને તેનું લોકેશન ઉપલબ્ધ ન હોવાથી સંદીપ લામિછાને ફરાર થઈ ગયો હતો. નેપાળ પોલીસે સંદીપની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલની મદદ લીધી હતી. ત્યારબાદ ઇન્ટરપોલે સંદીપ સામે ’ડિફ્યુઝન’ નોટિસ ફટકારી હતી. થોડા દિવસ રાહ જોયા બાદ સંદીપ જ્યારે કાઠમાંડૂના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો તો પોલીસે તેની ધરપકડ કરી લીધી.

લેગ સ્પિનર સંદીપને પહેલી વખત ૨૦૧૮માં ઓળખ મળી હતી, જ્યારે તે પહેલી વખત આઇપીએલ રમ્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી. સંદીપને દિલ્હી ડેરડેવિલ્સે ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સંદીપે આઈપીએલમાં ૯ મેચ રમી હતી, જેમાં તેણે ૧૩ વિકેટ ઝડપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંદીપે નેપાળની ટીમ માટે ૫૨ ટી-૨૦ મેચમાં ૯૮ અને ૫૧ વન ડેમાં ૧૧૨ વિકેટ ઝડપી છે.

વન ડેમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ ઝડપવાનો રેકોર્ડ સંદીપના નામે છે. લામિછાનેએ માત્ર ૪૨ મેચમાં ૧૦૦ વિકેટના આંકડા સુધી પહોંચી હતી. સંદીપે ૪૪ મેચ રમી ચૂકેલા રાશિદ ખાનને પાછળ છોડી દીધો હતો. લામિછાને એવા કેટલાક બોલરોમાંના એક છે જેમણે સતત ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં ચાર કે તેથી વધુ વિકેટ લીધી હતી. લામિછાનેની વન ડેમાં સરેરાશ (ઓછામાં ઓછા ૧૦૦૦ બોલ) ૧૮.૦૬ની છે, જે બાકીના બોલરો કરતાં ચડિયાતી છે.