સુરતમાં મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતા શખ્શને ઝડપી પાડી ૫૪ મોબાઈલ કબ્જે કરાયા

સુરત, ઓટો રિક્ષામાં બેઠેલાં મુસાફરોને આગળ-પાછળ ખસવાનું કહી ધ્યાન ચુકવી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરતાં રીઢા ચોરને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડી ૮ ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટોળકીના બે સાગરીતોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે.

આરોપી એક ટોળકી બનાવી ચોરીના ગુના આચરતો હતો જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટોરિક્ષામાં ફરી મુસાફરોને બેસાડતા હતા. ભીડના બહાને મુસાફરનું ધ્યાન હટાવી ચોરી કરતા હતા. આરોપી પાસેથી ૫૪ મોબાઈલ કબ્જે કરાયા છે.

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષામાં બેઠેલા પેસેન્જરોના મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. પોલીસની વોચ દરમિયાન ચોરને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસની ટીમને સફળતા મળી છે. સુરતના રુપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા હોવાની પોલીસને માહિતી મળતા વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને ઝડપી પડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ૫૪ મોબાઈલ ફોન કબ્જે લીધા છે.