ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગત તા. 3 જૂનના રોજ જે હિંસા ફાટી નીકળી હતી તેની કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારે મોટો ખુલાસો સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારો, બોમ્બમારો વગેરે કરવામાં આવ્યું તે સૌ માટે ભાવ નક્કી થયા હતા.
વિવિધ જવાબદારીઓ અને તેના ભાવ નક્કી થયેલા
એસઆઈટીની કેસ ડાયરીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાનપુરમાં જે હિંસા થઈ હતી તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ થયું હતું. તેમાં ફાઈનાન્સથી શરૂ કરીને દરેક વ્યક્તિની વિવિધ જવાબદારીઓ નિર્ધારિત કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઉપદ્રવીઓને કઈ રીતે રકમ આપવાની છે, તેમણે કઈ રીતે કામ કરવાનું છે, તેના માટે કેટલા રૂપિયા મળશે તે માટે ચોક્કસ રકમો નક્કી કરવામાં આવી હતી.
પકડાઈ જવા પર કાયદાકીય મદદની ખાતરી અપાઈ હતી
કોર્ટમાં સુનાવણી દરમિયાન એસઆઈટીની કેસ ડાયરીમાં એ વાતનો ખુલાસો થયો છે કે, એવું પ્લાનિંગ હતું કે ઉપદ્રવીઓને પકડાઈ જાય તો મદદ કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. અપરાધીઓ હિંસા દરમિયાન પકડાઈ જાય તો તેમને નિઃશુલ્ક કાયદાકીય મદદ અને તેમના પરિવારજનોને આર્થિક સહાયની ખાતરી આપવામાં આવી હતી. આ કામ માટે બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબા તથા હાજી વશીએ જે લોકોને જવાબદારી સોંપી હતી તેમણે ઉપદ્રવીઓને વિવિધ આશ્વાસન આપ્યા હતા.
ઉપદ્રવીઓને 10 લાખ રૂપિયા એડવાન્સમાં અપાયા
હાજી વશીના મેનેજર અફજાલે હિંસા માટે એક આખી ટીમ તૈયાર કરી હતી અને ઉપદ્રવીઓને એડવાન્સ પેટે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉપદ્રવ દરમિયાન પથ્થરમારા તથા બોમ્બમારા માટે અલગ રેટ નક્કી કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.એવી યોજના હતી કે, હયાત જફર હાશમી તથા નિઝામ કુરેશી બંધને સફળ બનાવે તથા મુખ્તાર બાબા અને તેનો દીકરો મહમૂદ, હાજી વશી તથા મેનેજર અફજાલ સમગ્ર મેનેજમેન્ટ સંભાળે.
કેસ ડાયરીમાં એવો પણ દાવો કરાયો છે કે, કાનપુર હિંસા દરમિયાન પથ્થરમારો કરનારાઓ માટે 1,000 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે પથ્થર ભરીને લાવનારાઓ માટે તથાગોળીબાર-બોમ્બમારો કરનારાઓ માટે 5,000 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવ્યો હતો. તે સિવાય ભીડ વધારવા માટે તેમાં સગીરોને સામેલ કરવામાં આવ્યા હતા. સગીરોને હિંસામાં આગળ રહેવા અને પથ્થરમારો કરવા માટે કહેવામાં આવ્યું હતું.