સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર: ૭ વર્ષથી ઈન્દોર જ પ્રથમ આવતું હતું 

ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતીલાલા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે, જોકે આ વખતે ઈન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે. સ્વચ્છતા  પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઈન્દોર સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. નોંધનીય છે કે, સર્વેની ટીમે વરસાદની મોસમમાં ઈન્દોરની મુલાકાત લીધી હતી તેમ છતાં શહેરની સ્વચ્છતા જોવા જેવી હતી. તમને જણાવી દઈએ કે, 7 વર્ષમાં પહેલીવાર ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો. 

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્દોરને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન હેડક્વાર્ટર ખાતે એકત્ર થયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ LED સ્ક્રીન પર સમાચાર જોયા બાદ આ સિદ્ધિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 

સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ની થીમ કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ભાર મૂકવાની સાથે “વેસ્ટ ટુ વેલ્થ” પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 4,477 શહેરોમાં ફાળવવામાં આવેલા 9,500 પોઈન્ટ્સમાંથી ઈન્દોર અને સુરત બંનેએ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. આ સંયુક્ત જીત સ્વચ્છતા જાળવવા અને કચરાને મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરિત કરીને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપવા પ્રત્યેના આ શહેરોના સમર્પણને રેખાંકિત કરે છે.