સંજેલીના ડુંગરા અને સરોરી ગામે ચાર બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના અને રોકડની ચોરી કરતા તસ્કરો

સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા અને સરોરી ગામે એક જ રાતમાં ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ લાખો માલ મત્તાની ચોરી કરી જતાં બંને ગામોમાં ચકચાર મચી જવા પામી છે.

ડુંગરા અને સરોરી ગામમાં મોડીરાતે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ બંને ગામોમાં બે-બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં બે બાઈક સવાર ગઠિયાઓએ ચારેય બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી લગભગ રૂ.8 લાખની માલ મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ ડુંગરા ગામના વતની અને ગાંધીનગર ખાતે નોકરી કરતા અશ્ર્વિનભાઈ પ્રદિપભાઈ ભાભોરના બંધ મકાનના તાળા તોડી ધરમાં પ્રવેશી તિજોરીમાં તેમજ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.40 હજારની ચોરી કરી હતી. ત્યારબાદ નજીકમાં રહેતા તેમના કાકા ચંદ્રસિંહ લેમસિંગ ભાભોરના મકાનમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમના કાકા જાગી જતા તેમણે બુમાબુમ કરતા તસ્કરો બાઈક પર નાસી છુટ્યા હતા. જયારે તસ્કરોએ સરોરી ગામે રહેતા શિક્ષક રાઠોડ ચુનીલાલ ધનાભાઈના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જેમના પુત્રના ફેબ્રુઆરી માસમાં લગ્ન હોવાથી હાલમાં જ ખરીદી કરેલા રૂ.5 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.50 હજારની ચોરી કરી હતી. ત્યારબાદ નજીકમાં રહેતા ઈલાબેન કાળુભાઈ રાઠોડના બંધ મકાનના તાળા તોડી અને ધરમાં પ્રવેશી તિજોરી અને કબાટનો સરસામાન વેરવિખેર કરી તેમાંથી દાગીના અને રોકડા રૂ.22,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ તમામ બનાવો અંગે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.