બેંગલુરુ વિધાનસભાની બહાર ૮ લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભાની બહાર અચાનક અરાજક્તાનો માહોલ સર્જાયો હતો જ્યારે એક જ પરિવારના ૮ સભ્યોએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કરતા પહેલા શાહિસ્તા બાનુ અને મુનૈદ ઉલ્લાહે કહ્યું કે તેમને હાઉસિંગ મિનિસ્ટર તરફથી કોઈ મદદ મળી નથી. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં તેણે બેંક દ્વારા લીધેલી લોનના સંબંધમાં હાઉસિંગ મિનિસ્ટર પાસેથી મદદ માંગી હતી.

મુનેદ ઉલ્લાહે વર્ષ ૨૦૧૬માં એક સહકારી બેંકમાંથી ૫૦ લાખ રૂપિયાની લોન લીધી હતી. તેણે આદુની ખેતી માટે આ લોન લીધી હતી પરંતુ નફો મળવાને બદલે તેને મોટું નુક્સાન થયું હતું. પરિવારનું એમ પણ કહેવું છે કે ત્યારથી તેઓએ બેંકમાં લગભગ ૯૬ લાખ રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ બેંકના લોકો આમાંથી મોટાભાગની રકમ વ્યાજની હોવાનું કહીને હેરાન કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, લોનની બાકી રકમ વસૂલવા માટે, બેંક તેમના પૈતૃક મકાનને વેચવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. પરિવારે બેંક પર આરોપ લગાવ્યો છે કે તે તેમનું ઘર ૧ કરોડ ૪૦ લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે ઘરની કિંમત ૩ કરોડ રૂપિયાથી વધુ છે.

આ કારણોસર આ પરિવાર વિધાનસભાની બહાર જાહેરમાં આપઘાત કરવા આવ્યો હતો. પરંતુ ત્યાં સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓએ તેને રોક્યો અને કસ્ટડીમાં લીધો.