સુરતમાં બે દિવસ પહેલા ટ્રેન ઉઠલાવવાના પ્રયાસના મામલે સુરત રેલવે પોલીસે બે શખ્સોની કરી અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા બંને લોકો ભંગારના કામ સાથે સંકળાયેલા છે. પાઇપ કાપવા માટે બંનેએ ટ્રેક ઉપર મૂકી હતી જોકે તેમનું આ કારસ્તાન અનેક લોકો માટે જીવનું જોખમ ઉભું કરી શકે તેમ હતું. રેલવે તંત્રએ મામલાને ગંભીરતાથી લઈ બંનેની પૂછપરછ હાથ ધરી છે.
સૂત્રો અનુસાર રેલવે ટ્રેક ઉપર પાઇપ મુકવા પાછળનું કારસ્તાન કોઈ ભાંગફોડિયા તત્વોનું નહીં પણ ભંગારનું કામ કરનારા બે શખ્સોનું હોવાનું સામે આવતા એક તરફ કોઈ મોટી દુર્ઘટના નિપજાવવાનું કાવતરું ન હોવાની રાહત તો બીજી તરફ આપ્રકારની વધતી ઘટનાઓએ ચિંતા પણ ઉભી થઇ છે.
ચોરેલી લોખંડની પાઈપના ટુકડા કરવા તેને ટ્રેક પર મુકી હતી. ચોરી કરેલી પાઇપ સંતાડવી મુશ્કેલ હતી તો તે પાઈપ લાંબી હોવાથી કોઈ ખરીદી કરતું ન હતું. ટ્રેનના વજનથી સરળતાથી પાઈપ તૂટી જવાના અનુમાન સાથે પાઈપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુકી હતી.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના મોટર મેનની સતર્કતાના પગલે દુર્ઘટના ટળી હતી. ટ્રેક પર લોખંડની પાઈપ દેખાતા મોટર મેને સાવચેતીના પગલાં લીધા હતી. ઘટના બની ત્યારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી.
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના મોટર મેન દ્વારા ઘટનાની જાણ રેલવે તંત્રને કરવામાં આવતા ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. ઘટના સ્થળની મુલાકાત બાદ પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ટ્રેનને ઉથલાવનું કાવતરું હોવાની શંકા જન્મી હતી. પોલીસે મામલે તપાસ હાથ ધરતા બે ભંગારચોરોએ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું હતું.
ભંગાર ચોરી કરી પાઇપના ટુકડા પાડવા તેને ટ્રેક ઉપર મૂકી દેવાઈ હતી જોકે આ કારસ્તાન ટ્રેનમાં સવાર સેંકડો લોકો માટે મોટું જીવનું જોખમ ઉભું કરે તેવું હતું. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે સાથે કારસ્તામાં અન્ય કોઈ સાથે હતું કે કેમ? તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટ્રેક પર આ પ્રકારની ભાંગફોડિયા પ્રવૃત્તિના કિસ્સા વધ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે.