નવસારી, બેંક કરતા પણ વધુ વ્યાજ આપીને લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી, તેમને રૂપિયા પરત ન આપનારી નવસારીની ખાનગી ફાયનાન્સ કંપનીના સંચાલક સામે ૨.૩૭ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા જ હરક્તમાં આવેલી નવસારી પોલીસે કંપનીના મુખ્ય સંચાલક સહિત ચારની ધરપકડ કરી કરોડોની છેતરપીંડીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સાથે જ કંપની સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં ૪ વર્ષ અગાઉ તેલના વ્યાપાર સાથે જોડાયેલા કલ્પેશ કોઠારીએ પદ્માવતી ફીનવેક્સ નિધિ લિ. સ્થાપી, બેંક કરતા ઉંચા વ્યાજ આપવાની લાલચે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરો, ગામડાઓના લોકોની પાસેથી રોકાણ લેવાનું શરૂ કર્યુ હતું. જેની સાથે જ રીકરીંગ, ગોલ્ડ લોન સહિતની સ્કીમો પણ બનાવી, લોકોને લોભામણી જાહેરાતોની જાળમાં ભેરવીને કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. પરંતુ રોકાણ મેળવ્યા બાદ તેને વ્યાજ સાથે પરત કરવાની વેળાએ આનાકાની કરતા રોકાણકારોમાં રોષ જોવા મળ્યો હતો.
જેમાં નવસારીના દુધિયા તળાવ સામે નુતન સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત રણછોડજી પટેલે તેમના અને સગા સબંધીઓના મળીને કુલ ૨.૩૭ કરોડ રૂપિયાનું પદ્માવતી ફીનવેક્સ કંપનીમાં રોકાણ કરાવડાવ્યુ હતુ. દરમિયાન બીજા ૨ કરોડ રૂપિયા માટે કલ્પેશ કોઠારીને ચંદ્રકાત પટેલ પાસે માંગણી કરતા, ચંદ્રકાંત પટેલે તેના મિત્રો પાસે રોકાણ કરાવી, તેના બદલામાં એફડી તેમજ લેટર પેડ ઉપર લખાણ આપવાની બાહેંધરી આપી હતી. પરંતુ એફડી વગેરે દસ્તાવેજોની ઝ્રછ પાસે ચકાસણી કરાવતા ફ્રોડ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. જેથી ચંદ્રકાત પટેલે, પદ્માવતી ફીનવેક્સના ડીરેક્ટર કલ્પેશ કોઠારી પાસેથી તેમની રોકાણ કરેલી રકમ પરત માંગી હતી. જેમાં કલ્પેશે પોતાના સાથી ફિરદોશ ઘાઈ, જીતું મણીલાલ પટેલ, વિશાલ જીતુ પટેલ સાથે મળીને ચંદ્રકાન્તને જાનથી મારી નાંખવાની ધમકી આપી, થાય તે કરી લોની ધમકી આપી હતી.
જેથી પોતે ઠગાયાનો એહસાસ થતા ચંદ્રકાંત પટેલે નવસારી ટાઉન પોલીસ મથકે પદ્માવતી ફીનવેક્સના કલ્પેશ કોઠારી સહિત ૬ સામે ફરિયાદ આપતા, પોલીસે છેતરપીંડી તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં પદ્માવતી ફીનવેક્સના ડીરેક્ટર કલ્પેશ ધીરજલાલ કોઠારી (૫૦) અને ફિરદોશ મીનો ઘાય (૫૭) દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા. તે પૂર્વે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. જેની સાથે જ પદ્માવતી ફીનવેક્સની મેનેજર રિયા સંજય શાહ (૨૫) અને કંપનીનું બેંક સબંધી કામકાજ કરનાર યોગેશ ગોપાલ રાજ્પૂત (૩૧) ની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય બે આરોપીઓ જીતુ મણીલાલ પટેલ અને વિશાલ જીતુ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પદ્માવતી ફીનવેક્સના કલ્પેશ કોઠારી તેમજ ૩ કર્મચારીઓની ધરપકડ બાદ, તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવસારી એલસીબી,એસઓજી ટાઉન તેમજ વિજલપોર પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે. જેમાં પદ્માવતીની ઓફીસની તપાસમાં અનેક દસ્તાવેજો, બેંક ડીટેલ્સ તેમજ મિલક્તોની માહિતી સાથે જ રોકાણ કરનારાઓની યાદી મળી છે. પદ્માવતી ફીનવેક્સ સામે ફરિયાદ કરતા જ છેતરપીંડીનો ભોગ બનેલા અન્ય લોકોએ પણ પોલીસનો સંપર્ક કરતા વધુ ૭૧ લાખની છેતરપીંડી સામે આવતા કલ્પેશ કોઠારી અને ટોળકીની છેતરપીંડીનો આંક ૩.૦૮ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.