અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી
‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ પૂર્વે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફરો અયોધ્યા પહોંચશે.
સાધુ-સંતો પણ પહેલી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચશે
આજે વહેલી સવારથી જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભક્તિનો માહોલ જામ્યો છે. એરપોર્ટની અંદર ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી રહી છે. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામ ભક્તો અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ અયોધ્યા સુધીની મુસાફરી કરી રહ્યા છે.
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, જય શ્રીરામ… આજ અમદાવાદથી પહેલી ફ્લાઇટ અયોધ્યા પ્રસ્થાન કરી રહી છે. ભારત સરકાર અને મોદીજીને ખૂબ જ ધન્યવાદ કે તેઓએ અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદથી શરૂ કરી છે. બીજી વાત 550 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પહેલા 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે પરમ પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ પણ 1008 હનુમાન મહાયજ્ઞ શરૂ કરશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી અને ખાસ કરીને સુરતથી મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે.
એક મહિલા મુસાફરના હાથમાં ભગવાન શ્રીરામની મૂર્તિ જોવા મળી હતી. તેણે જણાવ્યું હતું કે, અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ છે તો મને ઘણું સારું લાગે છે. અમે પરિવાર સાથે અયોધ્યા જઈએ છીએ અને ત્યાં અમને હવનમાં બેસવાનો લાભ મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં નવનિર્મિત એરપોર્ટ પર 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી પ્રથમ ફ્લાઈટ પહોંચી હતી. જે બાદ આજે અમદાવાદથી પણ મુસાફરો સાથે ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ સીધી ફ્લાઇટ અયોધ્યા ખાતે પહોચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, ભગવાન શ્રીરામની અયોધ્યાના મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે પહેલા સમગ્ર દેશમા ભક્તિનો માહોલ જામ્યો છે. તેવામાં અમદાવાદથી અયોધ્યાની આજે પહેલી સીધી ફ્લાઇટમાં સાધુ-સંતો સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી આવેલા રામભક્તો મુસાફરી કરી રહ્યા રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિગો દ્વારા પણ કેક કટિંગ કરીને આ મુસાફરીને સુખદ બનાવવા શુભેચ્છા પાઠવી હતી.
30 ડિસેમ્બર 2023ના રોજ પીએમ મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમએ ત્યાં મુસાફરોની સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 3D મોડલ દ્વારા એરપોર્ટ વિશે માહિતી આપી હતી. સિંધિયાએ પર્યાવરણ સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી. દિલ્હીથી ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ 97 મુસાફરો સાથે અયોધ્યા પહોંચી હતી. આ ફ્લાઈટના કેપ્ટને મુસાફરોનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું.
ફ્લાઈટ કેપ્ટન આશુતોષ શેખરે જય શ્રીરામના નારા લગાવીને મુસાફરોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કેપ્ટને કહ્યું- આ અમારા માટે ગર્વની વાત છે. આ સાથે લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અયોધ્યા એરપોર્ટ પર ઊતરેલા મુસાફરોએ કહ્યું કે, તેઓ આ યાત્રા જીવનભર યાદ રાખશે.