ખાનપુરના બાકોર ગામમાં મેઈન બજારનો જુનો રોડ તોડી નવો બનાવવાની માંગ નહિ સ્વિકારતા દુકાનદારોમાં રોષ

બાકોર,ખાનપુર તાલુકાના બાકોર ગામના મેઈન બજારમાં હાલ આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છ. જેમાં કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય કામગીરી નહિ કરાતી હોવાની ફરિયાદ સાથે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી અને ટી.ડી.ઓ.ને રજુઆત કરવામાં આવી છે.

બાકોર વેપારી મંડળ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ મેઈન બજારમાં રોડની બંને બાજુ દુકાનો આવેલી છે. ત્યારે જુનો રોડ તોડીને નવો રોડ બનાવવા માંગ કરાઈ હતી. કારણ કે જુનો રોડ નહિ તોડાતા તેના ઉપર નવો રોડ બનાવતા રોડનુ લેવલ ઉંચુ થઈ ગયુ છે. જેના કારણે ચોમાસામાં રોડની બંને બાજુની દુકાનોમાં પાણી ભરાય તેવી સ્થિતિનુ નિર્માણ થાય તેવી શકયતાઓ વેપારીઓ દ્વારા વ્યકત કરાઈ હતી. પરંતુ પંચાયતે વેપારી મંડળની રજુઆત સાંભળ્યા વિના રોડની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી. આ અંગે અગાઉ પણ ટી.ડી.ઓ.ને અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. તેમજ પંચાયતમાં મહિલા સરપંચ હોવા છતાં તેમનો પતિ તમામ વહીવટ કરતા હોવાની પણ ગ્રામજનોએ ફરિયાદ કરી છે.