- શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવાને કારણે જૂન ૨૦૨૨માં શિવસેનાનું વિભાજન થયું હતું.
મુંબઈ, શિવસેનામાં વિભાજન બાદ શરૂ થયેલી કાનૂની લડાઈ હવે તેના અંતને આરે હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અન્ય ઘણા ધારાસભ્યો સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓનું પરિણામ આવતીકાલે એટલે કે બુધવારે (૧૦ જાન્યુઆરી) આવશે. વિધાનસભા અધ્યક્ષ નું કાર્યાલય નિર્ણયને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. આની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર કરશે. બુધવારે વિધાન ભવનમાં પરિણામની હાઇલાઇટ્સ વાંચવામાં આવશે તેમ જાણવા મળે છે. ત્યારબાદ વિગતવાર પરિણામો સંબંધિત રાજકીય પક્ષોને પછીથી જણાવવામાં આવશે. હકીક્તમાં, એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવાને કારણે જૂન ૨૦૨૨માં શિવસેનાનું વિભાજન થયું હતું.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ની અંતિમ તારીખ નક્કી કરી હતી, પરંતુ તેના થોડા દિવસો પહેલા, ૧૫ ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટે ૧૦ દિવસનો સમયગાળો વધાર્યો અને ૧૦ જાન્યુઆરીની નવી તારીખ નક્કી કરી. ચુકાદો જેની જાહેરાત બુધવારે સાંજે ૪ કલાકે કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પરિણામ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમજ તેમના જૂથના ૧૬ ધારાસભ્યોનું રાજકીય ભાવિ નક્કી કરશે.
જો આ પરિણામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં જાય છે, તો એકનાથ શિંદેનું મુખ્ય પ્રધાન પદ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. જોકે આ શક્યતા ઘણી ઓછી છે. કારણ કે આગામી ત્રણ મહિનામાં લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે જો આ પરિણામ રાજ્યની ગઠબંધન સરકારને મુશ્કેલીમાં મૂકશે તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે મુખ્યમંત્રી એકનાથ શિંદેની મદદથી તમામ જરૂરી પુરાવા આપવા અને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે પહેલેથી જ નક્કર વ્યૂહરચના બનાવી લીધી છે.
જો પરિણામ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાની તરફેણમાં જશે તો તેમના જૂથના તમામ ધારાસભ્યો પર લટક્તી ગેરલાયકાતની તલવાર હટી જશે. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીને પાછી મેળવવાની અને એકનાથ શિંદે જૂથને પાઠ ભણાવવાની આશા તૂટી જશે.
બંને જૂથોના અધિકારીઓએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ ના પ્રતિકૂળ નિર્ણયના કિસ્સામાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. જૂન ૨૦૨૨ માં બળવા પછી, શિંદે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. ગયા વર્ષે જુલાઈમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો અજિત પવાર જૂથ તેમની સરકારમાં જોડાયો હતો. ચૂંટણી પંચે શિંદેની આગેવાની હેઠળના જૂથને ‘શિવસેના’ અને ‘તીર ધનુષ’ ચૂંટણી પ્રતીકનું નામ આપ્યું હતું, જ્યારે ઠાકરેના નેતૃત્વવાળા જૂથને શિવસેના યુબીટી અને ‘બળતી મશાલ’ ચૂંટણી પ્રતીક આપવામાં આવ્યું હતું.
હકીક્તમાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે વિધાનસભા અધ્યક્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે જો વિધાનસભા અધ્યક્ષ પાસે સમય નથી તો અમે નિર્ણય આપીશું. વસ્તુઓ અનિશ્ચિત સમય માટે અથવા આગામી ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી મુલતવી રાખી શકાતી નથી. આ મુદ્દો ૩૧મી ડિસેમ્બર સુધીમાં ઉકેલવો જોઈએ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયને વિધાનસભા અધ્યક્ષ ની સત્તા હેઠળ શિડ્યુલ ૧૦ હેઠળ બળવાખોર શિવસેના ધારાસભ્યો સામે બાકી ગેરલાયકાતની કાર્યવાહી પૂર્ણ કરવા અને ૩૧ ડિસેમ્બર સુધીમાં આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ અંગેનો નિર્ણય બુધવારે જાહેર થવાનો હતો તેના થોડા દિવસ પહેલા એટલે કે ગયા અઠવાડિયે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની તબિયત લથડતાં ચર્ચાઓ થવા લાગી હતી કે શું હવે નિર્ણય આગળ વધશે? દરમિયાન, રવિવારે નાર્વેકરે સીધા મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા અને તેમની સાથે ચર્ચા કરી. જેથી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા પર ચર્ચા થઈ હતી. સ્વાભાવિક છે કે બુધવારના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે.