- ૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સીબીઆઈ દ્વારા લેન્ડ ફોર જોબ કેસમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલામાં ED દ્વારા મંગળવારે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં લાલુ યાદવની પુત્રી હેમા યાદવને પણ આરોપી બનાવવામાં આવી છે.
EDની નવી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં હેમા યાદવ સિવાય રાબડી દેવી, મીસા ભારતી, અમિત કાત્યાય, હૃદયાનંદ ચૌધરી સહિત કુલ સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
સૂત્રોનું માનીએ તો આમાં બે કંપનીઓ પણ સામેલ છે, જેમના નામ હજુ સ્પષ્ટ નથી. આ ચાર્જશીટ ED દ્વારા દિલ્હીના રાઉઝ એવન્યુની વિશેષ કોર્ટમાં રજુ કરવામાં આવી છે.
કોર્ટે ઇડીને ચાર્જશીટની ઇ-કોપી ફાઇલ કરવાનો આદેશ પણ આપ્યો છે. હવે આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી થશે.
ભાજપના પ્રવક્તા અરવિંદ સિંહે આ કાર્યવાહીને બંધારણીય પ્રક્રિયા ગણાવી છે. તેમણે કહ્યું કે આ તેના કર્મોનું ફળ છે. એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. આચરવામાં આવેલા કૌભાંડોના પરિણામો ભોગવવા જ પડશે.
અગાઉ 3 જુલાઈએ તેજસ્વી યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં તેજસ્વી ઉપરાંત 17 લોકો સામેલ છે. આમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ સીએમ રાબડી દેવી અને અન્ય ઘણા નવા વચેટિયાઓના નામ પણ સામેલ છે. હાલમાં સમગ્ર લાલુ પરિવાર આ કેસમાં જામીન પર છે અને તેની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે.
7 ઓક્ટોબર 2022ના રોજ સીબીઆઈ દ્વારા લેન્ડ ફોર જોબ કેસમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેમની પુત્રી મીસા ભારતી સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આમાં પણ લાલુ, રાબડી અને મીસાને જામીન મળી ગયા છે.
અમિત કાત્યાયલને લાલુ પરિવારના નજીકના માનવામાં આવે છે. EDએ 10 નવેમ્બર 2023ના રોજ લેન્ડ ફોર જોબ કેસમાં કાત્યાયલની ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે. જેના કારણે પોલીસે અમિત કાત્યાયલની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા EDએ માર્ચમાં કાત્યાલના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ED અનુસાર, કાત્યાલ આરજેડી ચીફના નજીકના સહયોગી તેમજ એકે ઇન્ફોસિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર છે. એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ આ કેસમાં કથિત “લાભાર્થી કંપની” છે અને તેની નોંધાયેલ ઓફિસ દક્ષિણ દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં છે, જેને તેજસ્વી સંભાળે છે.
9 માર્ચ, 2023ના રોજ, લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં, EDએ દિલ્હી, મુંબઈ, નોઈડા અને પટનામાં લાલુ યાદવના નજીકના સહયોગીઓના 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. લાલુ યાદવની ત્રણ પુત્રીઓ હેમા, રાગિણી અને ચંદા પણ દરોડામાં નિશાન પર હતી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં તેના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા પછી EDની ટીમે કહ્યું હતું કે લાલુના સંબંધીના ઘરે 16 કલાક સુધી સર્ચ કર્યુ હતું. સર્ચ કર્યા બાદ EDએ અહીંથી 3 મોટા બોક્સમાં દસ્તાવેજો લઈ ગઈ હતા. આ દસ્તાવેજ ગાઝિયાબાદ (યુપી)માં લાલુના સંબંધી જીતેન્દ્ર યાદવના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા હતા.