ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે.
મુખ્યમંત્રીશ્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન પ્રશંસા કરી હતી. વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા સીને મુખ્યમંત્રીશ્રી ની આ સંવેદના માટે આભાર માન્યો હતો. જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રશંસા સાંભળી છે. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
વાઇસ મિનિસ્ટરશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં ૭૦ જેટલી કંપનીઝ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાયડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિક્સીત કરી રહ્યાં છીએ. સીએમે ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે વાઇસ મિનિસ્ટરશ્રીને ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે સમય કાઢીને આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીનાં મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ.જે.હૈદર તેમજ વરિષ્ઠ સચિવઓ જોડાયા હતા. જાપાનનાં ભારત સ્થિત રાજદૂત અને અગ્રણી ઉદ્યોગ ગૃહો જોડાયા હતાં.