ભાજપ લોક્સભા ચૂંટણી પહેલા રામ મંદિર ઉદઘાટન દ્વારા નાટક કરી રહી છે : મમતા બેનર્જી

 પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરી BJP પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા રામ મંદિર ઉદઘાટન દ્વારા નાટક કરી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસના વડા બેનર્જીએ બંગાળના જયનગરમાં સંબોધન દરમિયાન કહ્યું કે, ‘મને રામ મંદિર અંગે પ્રશ્ન કરાયો. હું તે તહેવાર પર વિશ્વાસ રાખું છું, જે સૌને સાથે લઈને ચાલે છે. તમારે જે કરવું હોય તે કરો, તમે ચૂંટણી પહેલા નાટક કરી રહ્યા છો, તેમાં મને કોઈ વાંધો નથી, પરંતુ અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી. હું ઈશ્વર-અલ્લાહની સોગંદ ખાઈને કહું છું કે, જ્યાં સુધી હું રહીશ, ત્યાં સુધી હિન્દુ-મુસલમાનમાં ક્યારે ભેદભાવ નહીં થવા દઉ. હું લોકોને ધાર્મિક આધારે ભાગ પાડવામાં વિશ્વાસ રાખતી નથી.’

મમતા બેનર્જીને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ અપાયું છે, પરંતુ અગાઉ એવા મીડિયા અહેવાલો આવ્યા હતા કે, બેનર્જી સમારોહમાં સામેલ નહીં થાય. TMCના એક વરિષ્ઠ નેતાએ એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે, ‘મમતા બેનર્જી અથવા ટીએમસીના કોઈપણ પ્રતિનિધિનો સમારોહમાં સામેલ થવાનો કોઈ સવાલ જ નથી. અમે ધર્મ સાથે રાજકારણ મિલાવવા પર વિશ્વાસ કરતા નથી.’