બંગાળમાં ટીએમસીની નવી રમત, કોંગ્રેસને દિલ ખોલ્યું, સીટ વહેંચણી નહીં થાય તો ’ધમકી’ પણ આપી

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે સીટની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ બધાની વચ્ચે ટીએમસીએ તેના તાજેતરના નિવેદનમાં ટ્વિસ્ટ આપતા કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણીને લઈને તેનું દિલ કોંગ્રેસ માટે ખુલ્લું છે પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો તે એકલા ચૂંટણી લડવા માટે તૈયાર છે. લોક્સભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે સીટની વહેંચણી અંગે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે અંતિમ નિર્ણય બંને પક્ષોના ટોચના નેતાઓ દ્વારા લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમારા નેતા મમતા બેનર્જી પહેલા જ કહી ચુક્યા છે કે અમારું દિલ કોંગ્રેસ માટે ખુલ્લું છે. હવે તેઓ શું કરે છે તે તેમના પર છે. સોનિયા ગાંધી અને મમતા બેનર્જી નક્કી કરશે કે પશ્ચિમ બંગાળમાં ગઠબંધન થશે કે નહીં. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાની આ ટિપ્પણી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના નિવેદનના બે દિવસ પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી બંગાળની સત્તાધારી પાર્ટી પાસેથી સીટોની ભીખ નહીં માંગે. તૃણમૂલ કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે પાર્ટી પશ્ચિમ બંગાળમાં ગઠબંધન માટે તૈયાર છે પરંતુ જો જરૂર પડે તો તે એકલા ચૂંટણી લડવા તૈયાર છે. પાર્ટીના ઘણા નેતાઓએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ રાજ્યની ૪૨ લોક્સભા સીટોમાંથી ચાર કોંગ્રેસ માટે છોડવા પર વિચાર કરી રહી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસે ૨૨ બેઠકો, કોંગ્રેસે બે બેઠકો અને ભાજપે ૧૮ બેઠકો જીતી હતી.

લોક્સભામાં કોંગ્રેસના નેતા ચૌધરી મુર્શિદાબાદ જિલ્લાની બહરમપુર બેઠક પરથી જીત્યા હતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અબુ હાસિમ ખાન ચૌધરીએ પડોશી માલદા જિલ્લામાં માલદા દક્ષિણ બેઠક પરથી સતત ત્રીજી વખત જીત મેળવી હતી. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ બેનર્જીએ અગાઉ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે ગઠબંધનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ‘પ્રસ્તાવ’ને તેમની કટ્ટર હરીફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ દ્વારા તરત જ નકારી કાઢવામાં આવી હતી અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેની ટીકા કરી હતી. થોડા દિવસો પછી, તેમણે બંને પક્ષો પર ભાજપ સાથે હાથ મિલાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તે તૃણમૂલ કોંગ્રેસ છે જે પશ્ચિમ બંગાળમાં ભગવા છાવણી પર ઉતરશે. તૃણમૂલ કોંગ્રેસે અગાઉ ૨૦૦૧ની વિધાનસભા ચૂંટણી, ૨૦૦૯ની લોક્સભાની ચૂંટણી અને ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.