પાટણમાં વ્યાજખોરોનો બેફામ આતંક, ડોક્ટરે ચક્રવૃદ્ધિ વ્યાજ માગતા નોંધાઈ પોલીસ ફરિયાદ

પાટણ, પાટણમાં વ્યાજખોરોનો બેફામ આતંક જોવા મળ્યો છે. માતરવાડી ગામના યુવાને પ્લાયવૂડનો ધંધો કરવા તબીબ પાસેથી રૂપિયા ૧૦ લાખની લોન લીધી હતી. તબીબને બધી રકમ ચૂકવ્યા છતાં વધુ ઉઘરાણી કરતો હતો. આથી કંટાળીને ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સરકારના કડક કાયદા હોવા છતાં વ્યાજખોરોનો રોજ ત્રાસ જોવા મળે છે. ત્યારે પાટણમાં વધુ એક વખત વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે.

પાટણ તાલુકાના માતરવાડી ગામે રહેતા સુરેશભાઈ વિશાભાઈ ભરવાડ ૬ વર્ષ પહેલા પાટણના સેવાની ઈલેવન કોમ્પલેક્ષ ખાતે ક્લિનિક ચલાવતા ડો. ચિરાગ ડાહ્યાભાઈ પટેલ પાસે દવાઓ લેવા આવતા હતા. ત્યારે તેમનો પરિચય ડો. ચિરાગ પટેલ સાથે થયો હતો.

તેમણે પ્લાયવુડનો ધંધો શરૂ કરવા શહેરમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર ચિરાગ પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા ૧૦ લાખ લીધા હતા. જોકે, સુરેશભાઈએ પૈસા થોડા થોડા કરીને રૂપિયા ૧૧ લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં, ડોક્ટર સુરેશભાઈને અવારનવાર ફોન કરી રૂપિયા ૯ લાખ નીકળે છે તેવું કહી વધુ રકમ માગતા હતા. તેમજ પૈસા ન આપો તો તેમની વિરૂદ્ધ ખોટો કેસ દાખલ કરવાની તેમને ધમકી પણ આપતા હતા. આથી સુરેશભાઈ ભરવાડે તબીબ વ્યાજખોરથી કંટાળી પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ સુરતમાં આવી એક ઘટના બની હતી. વ્યાજખોરોએ હીરાના વેપારીન પાસેથી વધુ વ્યાજ ઉઘરાવતા હતા. જો તે તેમ ન કરે તો ઘરે કોલગર્લ બોલાવી ખોટા કેસમાં ફસાવી દેશે. જેવી ધમકીઓ આપતા હતા. બાદમાં તેમના વિરૂદ્ધ સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.