દાહોદમાં ફેક એકાઉન્ટ બનાવી વાંધાજનક પોસ્ટ વાયરલ કરતા ચકચાર

દાહોદ,દાહોદ શહેરમાં એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરી ચુકેલા ભુતપુર્વ વિધાર્થીએ આગામી કારણોસર શાળાને બદનામ કરવાના ઈરાદે ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર શાળાનુ ફેક આઈડી બનાવી તેના પર અશ્ર્લિલ તેમજ વાંધાજનક પોસ્ટ વાયરલ કરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે દાહોદની સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરમાં એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરી ચુકેલા ભુતપુર્વ વિધાર્થીએ શાળાને બદનામ કરવા શાળાનુ ફેક આઈડી ઈન્સ્ટાગ્રામ પર બનાવી અશ્ર્લિલ અને વાંધાજનક પોસ્ટ કરતા શાળા સંચાલકો અને શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આખરે શાળા સંચાલકોએ આ મામલે દાહોદ સાયબર સેલના પી.આઈ.દિગ્વિજયસિંહ પઢીયારે ટેકનીકલ સોર્સની મદદથી શાળાનુ ફેક આઈડી બનાવી અશ્ર્લિલ પોસ્ટ ફરતી કરનાર વ્યકિતને ઝડપી પુછપરછ કરતા તે પણ થોડાક સમય પહેલા આ જ શાળામાં અભ્યાસ કરી ચુકયો હતો. અને શાળા છોડ્યા બાદ કોઈક કારણોસર શાળાને બદનામ કરવાના ઈરાદે આ કૃત્ય આચર્યુ હતુ. જોકે આ કૃત્ય કરનાર ઈસમ સગીર વયનો વિધાર્થી હોવાથી સાયબર સેલની ટીમે વિધાર્થી તેમજ તેના માતા-પિતાને બોલાવી તેઓનુ જરૂરી કાઉન્સિલિંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.