લગ્નમાં ધર્મ સભા, જાન શણગારેલા બળદ ગાડામાં નીકળી, લોકો જોવા ઉમટી પડ્યા

અમરેલી: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધામધૂમથી લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લગ્ન પ્રસંગ યોજાયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામમાં રહેતા એક યુવકે પોતાના લગ્ન અનોખી રીતે કરવાનું નક્કી કર્યું હતું. યુવકે લગ્ન પહેલા સંતો, મહંતોની ધર્મસભા બોલાવી હતી અને બાદમાં શણગારેલા બળદ ગાડામાં જાન જોડી પરણવા માંડવા સુધી પહોંચ્યો હતો.

સાવરકુંડલા તાલુકાના ધાર ગામે રામદેવપીર આશ્રમના મહંત ગણપતિ બાપુના પુત્ર ધ્રુવ ઠુંમર પોતાના વિવાહ સંસ્કારમાં પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર રાખવા એક અનોખી પહેલ કરી હતી. જીવનના 16 સંસ્કારમાંનું એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર છે. જેમાં આજે લોકો અન્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે,

ત્યારે ધ્રુવભાઈએ પોતાના લગ્ન પ્રસંગે સંતો, મહંતો અને મહાપુરુષોને આમંત્રીત કર્યા હતા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધુ, સંતોએ પ્રવચન કરી જીવનનો મહિમા સમજાવ્યો હતો તથા લગ્ન વિધિમાં વેદપાઠી બ્રાહ્મણોને બોલાવી શાસ્ત્રોક્ત લગ્ન વિધિ કરી હતી.

સપ્તપદી વાંચન સાથે ચારે વેદ મંત્રોનો ઘોષ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને લગ્નની વિશેષતા એ રહી હતી કે, પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા માટે લગ્નમાં જુની પ્રાચીન રૂઢિ પ્રમાણે ઢોલ, શરણાઈના સુર સાથે બળદગાડામાં જાન જોડવામાં આવી હતી. ધ્રુવભાઇની જાન પરંપરાગત રીતે નીકળી હતી. પ્રાચીન સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા માટે દંપતિએ સંસ્કારયુક્ત પ્રી-વેડિંગ ફોટો શૂટિંગ કરાવ્યું હતું. જેમાં ગામડાની ઝલક જોવા મળી હતી.