પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સતત વિવાદો સાથે જોડાયેલી રહેતી હોય છે. કોઈને કોઈ કારણોસર આ ટીમ હંમેશા ચર્ચામાં આવે છે. તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત ત્રણેય ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમનો સફાયો થઈ ગયો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે ત્રીજી મેચમાં પાકિસ્તાન ટીમના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. T20 કેપ્ટનની હકાલપટ્ટીને લઈને હોબાળો થયો છે અને હવે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ સિલેક્શન અને ખેલાડીઓના પ્રદર્શન કરતા પ્લેઈંગ ઈલેવન પર વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડાયરેક્ટર મોહમ્મદ હફીઝે જણાવ્યું હતું કે ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ શનિવારે સિડનીમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. હાફિઝે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ કહ્યું, “અમે શાહીનને તેના કામના બોજને ધ્યાનમાં રાખીને આરામ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે અમે તેના શરીર પર પ્રતિકૂળ અસર થાય તેવું ઇચ્છતા ન હતા.”
આફ્રિદીને આરામ આપવાના નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ સમુદાયને આશ્ચર્ય થયું હતું. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને વકાર યુનિસે આ માટે ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરી હતી. સિડની ટેસ્ટ મેચના પહેલા દિવસે આફ્રિદીએ હોસ્ટ બ્રોડકાસ્ટરને કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફનું માનવું હતું કે તેને મેચમાંથી આરામ આપવો જોઈએ.