અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : રામમંદિરની પ્રતિકૃતિ સાથેની સાડાછ મીટર લાંબી સાડી, અયોધ્યા-જનકપુર મોકલાશે

અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો

કાપડ માર્કેટના ટેક્સટાઈલ યુવા બ્રિગેડ સંગઠન દ્વારા સુરતથી દેશના રામ મંદિરોમાં ડિમાન્ડ મુજબ વિનામૂલ્ય માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામ મંદિરની ડિઝાઈનવાળી સાડી મોકલવામાં આવનાર છે

અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. આ મહોત્સવને લઈ સુરતની કાપડ માર્કેટના વેપારીઓમાં પણ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ માર્કેટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીની જેમ ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ત્યારે કાપડ માર્કેટના ટેક્સટાઈલ યુવા બ્રિગેડ સંગઠન દ્વારા સુરતથી દેશના રામ મંદિરોમાં ડિમાન્ડ મુજબ વિનામૂલ્ય માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામ મંદિરની ડિઝાઈનવાળી સાડી મોકલવામાં આવનાર છે. હાલ સુરતના મંદિરમાં આ સાડીને અર્પણ કરવામાં આવી હતી. તેમજ અયોધ્યા અને જનકપુર પણ મોકલવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ મંદિરનું દૃશ્ય પ્રિન્ટ કર્યું

પ્રાણ પ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યાં છે. ટેક્સ ટાઈલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ ડિજિટલ પ્રિન્ટિંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું દૃશ્ય પ્રિન્ટ કર્યું છે. ટેક્સટાઈલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરને લઈ માતા જાનકી અને હનુમાનજી મહારાજ સૌથી વધુ પ્રસન્ન થઈ રહ્યા છે અને અમે પણ તેમની ખુશીમાં જોડાય રહ્યા છીએ. કાપડના વેપારી હોવાથી અમે માતા જાનકીને રામ મંદિરની તસવીરવાળી સાડી અર્પણ કરી રહ્યા છીએ.

વધુમાં જણાવ્યું હતું કે, સુરતની સાડી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સુરત ડાયમંડની સાથે સિલ્ક સિટી તરીકે પણ ઓળખાય છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અમે માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામમંદિરની ડિઝાઈનવાળી વિશેષ સાડી બનાવી છે. જે અયોધ્યા અને જનકપુરની સાથે દેશના જે રામમંદિરમાંથી ડિમાન્ડ હશે ત્યાં મોકલીશું.

સુરતમાં ડુંભાલ સ્થિત પ્રાચીન હનુમાજીના મંદિરે ભગવાન રામ સાથે બિરાજમાન માતા સીતાને મહંત જિતેન્દ્ર ગોસ્વામી થકી પ્રથમ સાડી અર્પણ કરવામાં આવી હતી. 22મી જાન્યુઆરી સુધી ડિમાન્ડ મુજબ શહેર સહિત દેશના અન્ય રામમંદિરોમાં ભગવાન રામની છબિ સાથેના રામમંદિરની ડિઝાઈનવાળી સાડી મોકલવાની તૈયારી કરવામાં આવી છે. આ સાડી વેચવા કે માતા સિવાય બીજાના પરિધાન માટે નથી.

’શ્રી રામ અમારા પૂર્વજ’, અયોધ્યાથી ’રામજ્યોતિ’ લેવા નીકળી કાશીની મુસ્લિમ મહિલાઓ