અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પતંગ મહોત્સવ’નો શુભારંભ કરાવ્યો

અમદાવાદ, ઉતરાયણનો તહેવાર ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો વહેલી સવારથી જ અગાશી પર ચઢીને પતંગ ઉડાવતા જોવા મળે છે. સાથે જ ઉતરાયણના દિવસે લોકો ચીક્કી, ઊંધિયું અને શેરડીની પણ મજા માણતા હોય છે. ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આ મહોત્સવ ૧૫ જાન્યુઆરી સુધી ચાલશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિવરફ્રન્ટ ખાતે આજે પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રવાસનમંત્રી મુળુ બેરા અને અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ વર્ષે પતંગ મહોત્સવમાં ૧૨ રાજ્યના ૬૮ અને ગુજરાતના ૮૬૫ જેટલા પતંગબાજ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના યોજાનારા પતંગ મહોત્સવમાં માત્ર રાજ્ય અને દેશના જ નહીં પરંતુ, વિદેશોમાંથી પણ પતંગબાજો ભાગ લેતા હોય છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં ૫૫ દેશના ૧૫૩ પતંગબાજ ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા સહિતના પતંગબાજો સામેલ છે. જણાવી દઈએ કે, આ વર્ષે રિવરફ્રંટ પર યોજાનારા પતંગ મહોત્સવની સાથે હસ્તકલા, ફૂડસ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ વર્ષે ૧૫ જેટલા હસ્તકલાના અને ૩૫ જેટલા ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.