છોટાઉદેપુરમાં વિદ્યાર્થીની ઓની છેડતી મુદ્દે વધુ ૩ આરોપી પોલીસ સકંજામાં

છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં શાળાથી પરત ફરતી વિદ્યાર્થીની ઓને ચાલુ વાનમાં છેડવા બાબતે પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે. પોલીસે વધુ ૩ આરોપીને ઝડપી પાડ્યા છે. જેમના નામ સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયાજી ભીલ, શૈલેષ રમેશ ભીલ છે. આ અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને અર્જુન ભીલ ઝડપાયા હતા. તો કુલ ૬ આરોપીમાંથી ૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો એક આરોપી પરેશ કિરણ ભીલ હજુ પણ ફરાર છે.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના મુદ્દે તંત્ર સફાળુ જાગ્યું છે. ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓ સાથે છેડતી થઈ હતી. તો કોસિન્દ્રા શાળાના બાળકો માટે નવી બસ શરુ કરવામાં આવી છે. નસવાડી અને બોડેલી વચ્ચે નવી એસટી બસ શરુ કરવામાં આવી છે. તો સવારે ૯ કલાકે નસવાડીથી કુંડિયા-વાસણા-કોસિન્દ્રા- થઇ બોડેલી બસ જશે. તો સાંજે ૪.૩૦ કલાકે બોડેલીથી પરત ફરી નસવાડી સુધી એસટી બસ જશે.

છોટાઉદેપુરમાં શાળાથી પરત ફરી રહેલી ૭ વિદ્યાર્થીનીઓની ચાલુ વાહનમાં છેડતીથી ચકચાર મચી છે. ઘટના કંઇક એવી છે કે વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે જવા પીકઅપ વાનમાં બેસીને થોડે દૂર ગયા બાદ પીકઅપ વાનમાં બેસેલા શખ્સે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. અડપલાથી હતપ્રત થયેલી વિદ્યાર્થીનીઓએ છેડતીખોરોથી બચવા માટે ચાલુ વાહનમાંથી છલાંગ લગાવીને નીચે કૂદી પડી હતી.