ગામના સૌથી લાડકા શ્વાનની લોકોએ માણસની જેમ વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે ભગત નામના રખડતા શ્વાનનું મોત થતા ગ્રામજનોએ માણસોની જેમ જ શ્વાનની પણ અંતિમવિધિ કરી હતી. જેમાં ગામના સમગ્ર લોકો જોડાયા હતા. તેને હિન્દુિ રીતરિવાજોથી વિદાય આપવામાં આવી હતી. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે સાધુ ઉર્ફે ભગત નામના શ્વાન છેલ્લાં 15 વર્ષથી ગામ લોકોની વચ્ચે રહેતો હતો. 15 વર્ષ સુધી જીવ્યા બાદ ભગત મોતને ભેટ્યો હતો. ત્યારે નાના એવા ભાણખોખરી ગામે રહેતા લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ હતી. તેથી ગ્રામજનોએ તેની સાધુ સમાજની જેમ જ શ્વાનની અંતિમવિધિ કરી હતી. જેમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.

ભાણખોખરી ગામે રહેતા ભગત નામના શ્વાન ગામમાં કોઈ પણ સમાજમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તે શ્વાન અંતિમયાત્રામાં અચૂક પહોંચી જતો. અગ્નિદાહ પૂર્ણ થયા બાદ જ શ્વાન પણ ગામમાં પરત ફરતો હતો. ગામના ઝાંપા સુધી પાછું આવે અને મૃતકના અગિયારમાના દિવસે અંતિમક્રિયા થાય ત્યાં સુધી દરરોજ મૃતકના આંગણે પહોંચી હતો. મૃતકના ઘરના લોકો રોટલો આપે તો એ ખાય નહિ. પરંતું શ્રાદ્ધમાં શ્વાન ભાગ આપે તો તે જ ખાઈ ફરી પાછું વળે.

સાથે જ ભાણખોખરી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાડી વિસ્તારમાં કોઈનું અવસાન થાય તો આ શ્વાન વાડીએ પણ પહોંચી જતો. આસપાસના શ્વાનો આ શ્વાનને ભસે નહિ અને ઝગડો પણ ન કરે. ગામડામાં ક્યાંય પણ કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તે લોકોને મોડી ખબર પડે, પણ શ્વાનને તે અચૂક ખબર પડી જાય અને તે મૃતકના ઘર પર પહોંચી પણ જાય. જાણે કે તે પોતાનું ઘરનો સદસ્ય હોઈ તે રીતે જ ગ્રામલોકોને પ્રેમ કરતું. તો આ જ કારણે ગામ લોકોને પણ આ શ્વાન જીવની જેમ વ્હાલો હતો. ત્યારે આજે તે શ્વાનનું મોત થતાં ગ્રામજનોએ શ્વાનની અંતિમયાત્રા કાઢી અને તમામ અંતિમક્રિયા કરી ગ્રામજનોએ દુખ પણ વ્યક્ત કર્યું.