બોટાદમાં હેડ કોન્સ્ટેબલ તો સુરતમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. પ્રથમ ઘટના ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મોત થયું છે, જ્યારે બીજી ઘટના સુરતમાં L&T કંપનીના 40 વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકના કારણે હૃદય બંધ પડ્યું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે.

ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ ફરી વળ્યો છે. હરપાલસિંહ ગોવિદસિંહ સોલંકી ઉવ.આશરે 32 નું મોડી રાત્રે મોત થયું હતું. ગઢડાથી નોકરી પુરી કરી હેડ કોસ્ટબલ બોટાદ પોતાના ઘરે આવેલ. રાત્રી દરમ્યાન છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમના મોતથી બોટાદ જિલ્લાનાં પોલીસ બેડામાં શોકનો માહોલ છે.

બીજી ઘટના સુરતમાં બની છે. સુરતમાં L&T કંપનીના 40 વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. ધવલ દેસાઈ સિનિયર ઇલેક્ટ્રિકલ તરીકે નોકરી કરતા હતા. ધવલને કંપનીમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ઘટનાને લઈ કામ કરી રહેલા સાથી કર્મચારીઓ ધવલને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધવલને સારવાર મળે તે પહેલાજ તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. હજીરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.