આમ આદમી પાર્ટીના સ્વાતિ માલિવાલ રાજ્યસભા જશે; દિલ્હીમાં ૩ નામ ફાઇનલ કર્યા

નવીદિલ્હી, દિલ્હીમાં રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપઁ)એ પોતાના ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. માલિવાલને પ્રથમવાર રાજ્યસભામાં મોકલવા માટે નોમિનેટ કરવામાં આવી છે. સ્વાતિ ઉપરાંત સંજય સિંહ અને એન્ડી ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

આપની પોલિટિકલ અફેર્સ કમિટીએ શુક્રવારે ત્રણેય નામોને મંજૂરી આપી દીધી છે. દિલ્હીમાં ૧૯ જાન્યુઆરીએ રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. નોમિનેશન પ્રક્રિયા ૩ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યસભાના ત્રણ વર્તમાન સાંસદોનો કાર્યકાળ ૨૭ જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં આમ આદમી પાર્ટીએ દિલ્હીથી સંજય સિંહની સાથે સુશીલ ગુપ્તા અને નારાયણ દાસ ગુપ્તાને રાજ્યસભા મોકલ્યા હતા. સુશીલ ગુપ્તાને હવે હરિયાણાની જવાબદારી આપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ ના રૂપમાં તેને આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરવાનું કહેવામાં આવ્યું છે. સંજય સિંહ, સ્વાતિ માલિવાલ અને એનડી ગુપ્તાના નામ ફાઇનલ થયા પહેલાં નક્કી થયું હતું કે, સુશીલ ગુપ્તા ફરીથી રાજ્યસભામાં નહીં જાય. સુશીલને હરિયાણા પર ફોક્સ કરવાનું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, રાજ્યસભા ઉમેદવાર બનાવવામાં આવતા પહેલાં સ્વાતિ માલિવાલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષના રૂપમાં પોતાના ૮ વર્ષના કામકાજનો રિપોર્ટ આપ્યો હતો. સ્વાતિએ કહ્યું કે, તેની ટીમે ૮ વર્ષમાં મહિલાઓ સંબંધિત ૧.૭ લાખ કેસ જોયા હતા. જે અગાઉના આયોગની સરખામણીએ ૭૦૦% ગણા વધારે છે.