
દાહોદ,\સંજેલી તાલુકાના સરોરી ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. મંત્રી એ એમ પણ જણાવ્યું કે, રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે. તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા-વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
મંત્રી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે. ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. મંત્રીએ જણાવ્યું કે, અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, આજે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી અજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આરોગ્ય સુવિધા માટે દૂર સુધી જવું નહિં પડે. જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, જીલ્લા પંચાયતના સભ્ય ઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ સહિત અધિકારીઓ તેમજ આરોગ્ય ના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.