દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે વર્ષ ર0ર1ના રોજ એક ઈસમ દ્વારા એક મહિલાને અગમ્ય કારણોસર પાવડાના ઘા માથાના ભાગે મારી મહિલાને મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં સમગ્ર મામલો લીમખેડાની એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજાની સાથે રૂપિયા 10 હજારનો દંડ ફટકારવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
ગત તા.1ર.08.ર0ર1ના રોજ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ડાયરા ફળીયામાં રહેતા લીલાબેન ધનાભાઈ ડાયરા તથા તેમની સાથે તેમના પરીવાજનોના સદસ્યો પીપલોદ ગામે કોઈ કામ અર્થે ગયા હતા. તે દરમ્યાન સાંજના આશરે ચારેક વાગ્યાના સમયે રામદેવ મંદીરવાળા ખેતરમાં એરીયા ખાતર નાખવા માટે લઈ જતા હતા. તે વખતે ગામમાં જ રહેતા બાબુભાઈ સોનાભાઈ ડાયરાના ઘર આંગણેથી નીકળ્યા હતા. તે વખતે આરોપી બાબુભાઈ સોનાભાઈ ડાયરા દ્વારા અગમ્ય કારણોસર કઈપણ બોલ્યા વગર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાં લાવેલ પાવડાના ઘા લીલાબેનના માથાના ભાગે માર્યા હતા. આ દરમ્યાન ગંભીર ઈજાગ્રસ્ત લીલાબેનને નજીકના દવાખાને પરીવારજનો દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન લીલાબેનનું મોત નિપજ્યું હતું. આ સંબંધે લીલાબેનના પરીવારના સદસ્યો દ્વારા ઉપરોક્ત પોલીસ મથકે આરોપી બાબુભાઈ સોનાભાઈ ડાયરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને આ કેસની સુનવાઈ ગતરોજ લીમખેડાની એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી બાબુભાઈ સોનાભાઈ ડાયરાને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 10 હજારનો દંડનો હુકમ તેમજ જો દંડ નહી ભરે તો વધુ છ માસની કેસની સજા ફટકારવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા લીમખેડા પંથક સહિત જીલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી હતી.