રાજકોટના જામનગર રોડ પર ડિસ્ટ્રીકટ કોર્ટના બિલ્ડીંગના શનિવારે થનારા લોકાર્પણ માટે આજે સાંજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજકોટ નજીકના હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. તે બાદ તેઓ સોમનાથ રવાના થઇ કાલે સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશના દર્શન કરવાના છે. ત્રણે જિલ્લાના તંત્ર દ્વારા તેમના કાર્યક્રમ માટે તૈયારીઓ કરવામાં આવી છે.
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે નિર્માણ પામેલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલ શનિવારે સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટીસ ચંદ્રચૂડના હસ્તે કરવામાં આવનાર હોય કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસના રાજકોટના આ કાર્યક્રમ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા વિવિધ વિભાગોના 36 ઉચ્ચ અધિકારીઓને વિશેષ ફરજ સોંપી દેવામાં આવેલ છે.
જેમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને ગાર્ડ ઓફ ઓનર આપવા તેમજ તેમની ભોજન વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ માટે જડબેસલાક આયોજન કરવામાં આવેલ છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ આજે સાંજે 5-30 કલાકે રાજકોટના હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા યાત્રાધામ સોમનાથના દર્શને જવા નીકળી જશે.
યાત્રાધામ સોમનાથ ખાતે તેઓ દર્શન તેમજ પૂજા-અર્ચના કરી નાઇટ હોલ્ટ સોમનાથમાં જ કરશે. ત્યારબાદ આવતીકાલે તેઓ સોમનાથથી નીકળી સવારના દ્વારકા પહોંચી ત્યાં દર્શન તેમજ પૂજા-અર્ચના કરશે. જે બાદ દ્વારકાથી રાજકોટ બપોરના 12-30 કલાકે આવી પહોંચશે તેમ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડની સાથે તેમના ધર્મપત્ની ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ અને હાલના સુપ્રિમ કોર્ટના જજ અરવિંદકુમાર પણ આ યાત્રા પ્રવાસમાં જોડાશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ રાજકોટ ખાતે આવી પહોંચ્યા બાદ તેઓ કાલાવડ રોડ ખાતેની હોટલ સીઝનમાં રોકાણ કરશે. આ માટે હોટલ સિઝન પાસે હેલીપેડ તૈયાર કરી દેવામાં આવેલ છે.
ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ શનિવારે બપોરનું ભોજન પણ હોટલ સિઝનમાં જ લેશે અને ત્યાં કોન્ફરન્સ પણ સંબોધીત કરશે. આ કાર્યક્રમ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.