ચંડીગઢ, હરિયાણામાં આત્મહત્યાના મામલાને લઈને પૂર્વ ક્રિકેટર અને ડીએસપી જોગીન્દર શર્મા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. તેના પર યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ડીએસપી મૃતક પર ઘર ખાલી કરવા દબાણ કરતો હતો. તેમણે ડીએસપીની ધરપકડની માંગ કરી છે. જોગીન્દર શર્મા ઉપરાંત FIR પાંચ અન્ય લોકોના નામ પણ સામેલ છે.
એક અહેવાલ મુજબ મામલો હિસારના દબડા ગામનો છે. ૧ જાન્યુઆરીએ અહીં રહેતા એક યુવકે મિલક્તના વિવાદના દબાણમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ ૨૭ વર્ષીય પવન તરીકે થઈ છે. સુનીતાની ફરિયાદના આધારે ૨ જાન્યુઆરીની રાત્રે છ આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોગીન્દર સિંહ ઉપરાંત આરોપીઓમાં અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, અર્જુન અને હોકી કોચ રાજેન્દ્ર સિહાગનો સમાવેશ થાય છે.
વિગતો મુજબ આ મામલો ૨૦૨૦ના અન્ય કેસ સાથે સંબંધિત છે. પવનની માતા સુનીતાએ જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૨૦માં તેણે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ (જોગીન્દર શર્મા સિવાય) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે, એક મહિના પછી આરોપીએ તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પવનની બહેને કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે, પોલીસે તે કેસમાં એફઆઇઆર નોંધી નથી. ત્યારબાદ જોગીન્દર શર્માને ડીએસપીના પદ પર તૈનાત હતા.
આ તરફ આરોપીઓ પવન અને તેના પરિવારને ઘણા વર્ષોથી હેરાન કરતા હતા. પવનની માતા સુનીતાએ આરોપ લગાવ્યો કે, થોડા દિવસો પહેલા અજયબીર અને તેનો પુત્ર અર્જુન આવ્યા અને તેના પુત્ર પવનને ઘર ખાલી કરવા કહ્યું, ત્યારબાદ દબાણમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. નોંધનિય છે કે, હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર ૪ વનડે અને ૪ ટી ૨૦ મેચ રમી છે. તેણે પોતાની કારકિર્દીની તમામ ટી ૨૦ મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. તેણે ૨૦૦૪માં ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી વનડે મેચ ૨૦૦૭માં રમી હતી.અહી એ પણ મહત્વનું છે કે, જોગીન્દ્ર શર્માને ધોનીનો વિશ્વાસુ માનવામાં આવે છે અને ધોનીએ તેમના પર વિશ્વાસ મૂકી છેલ્લી ઓવર આપી હતી.