આરોપીને પાસવર્ડ આપવા મજબૂર ના કરી શકાય, સીબીઆઈ તપાસમાં હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી

દિલ્હી હાઈકોર્ટે 20 મિલિયન ડૉલરની છેતરપિંડીના કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈ તપાસ મામલે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, કોઈપણ તપાસ એજન્સી આરોપીને મોબાઈલ, લેપટોપ કે કોઈ પણ ડિવાઈસનો પાસવર્ડ બતાવવા મજબૂર ન કરી શકે.

અહેવાલો મુજબ દિલ્હી હાઈકોર્ટમાં ભારતમાં કૉલ સેન્ટર ચલાવનાર એક વ્યક્તિએ અમેરિકી નાગરિક સાથે કરેલી 20 મિલિયન ડૉલરની છેતરપિંડીના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે આરોપીને જામીન આપી દીધા છે. જોકે આ દરમિયાન કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સીઓ કોઈપણ કેસમાં આરોપીને ગેઝેટ અથવા ડિજિટલ ડિવાઈસનો પાસવોર્ડ બતાવવા મજબૂર ન કરી શકે. 

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ કહ્યું કે, તપાસમાં મદદ માટે આરોપી વ્યક્તિના સહયોગની આશા રાખી શકાય છે, પરંતુ બંધારણની કલમ 20(3)માં ઉલ્લેખ કરાયેલ સુરક્ષાનો હવાલો આપી તેને દોષી બનાવી પુરાવા આપવા મજબૂર કરી ન શકાય. આ કલમમાં ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ ગુનામાં આરોપી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનાવવા માટે મજબૂર કરવામાં નહીં આવે.

દલીલ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે, આરોપી સામે ચાલી રહેલી તપાસમાં મહત્વની બાબત જાણકારી અને પાસવર્ડ છે. જોકે કોર્ટે કહ્યું કે, કલમ 20(3) મુજબ આરોપી પાસે સુરક્ષાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, આરોપી સામેના કેસમાં તેઓ તેને ડિવાઈસ અને પાસવર્ડ બતાવવા મજબૂર કરી ન શકે. કોર્ટે આરોપીઓને જામીન આપી તર્ક આપ્યો કે, કેસમાં તપાસ પુરી થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ છે, તેથી આરોપીઓને કસ્ટડીમાં રાખવાથી યોગ્ય ઉદ્દેશ્ય પુરો નહીં થાય.

આ કેસમાં આરોપી સામે ભારતમાંથી નકલી ફોન કૉલનું સંચાલન કરવાનો, સરકારી અધિકારી બની અમેરિકી નાગરિક સાથે છેતરપિંડી કરવાનો, જુદી જુદી રીતે ઠગવાનો આરોપ છે.