મુંબઇ, હનુમાન ચાલીસા કેસમાં આરોપ ઘડવા માટે આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ નવનીત રાણા અને તેના પતિ સુનાવણીમાં હાજર ન હોવાથી જજ ગુસ્સે થઈ ગયા. જો તેઓ આગામી સુનાવણીમાં હાજર નહીં રહે તો રાણા દંપતી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે. આગામી સુનાવણી ૧૧ જાન્યુઆરીએ થશે.
મુંબઈની એક વિશેષ અદાલતે થોડા દિવસો પહેલા સાંસદ નવનીત રાણા અને તેમના પતિ, મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા દ્વારા ૨૦૨૨ના હનુમાન ચાલીસા વિવાદ બાદ તેમની સામે નોંધાયેલા કેસમાં દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી હતી. એમપી અને એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ, રાહુલ રોકડે, ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી હતી અને રાણાના વકીલને આગામી સુનાવણી દરમિયાન તે કોર્ટમાં હાજર રહે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, ૨૦૨૨માં અમરાવતીના સ્વતંત્ર સાંસદ અને ધારાસભ્યની ધરપકડનો વિરોધ કર્યા બાદ એક લોક્સેવકને તેમની ફરજ બજાવવાથી રોકવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
નવનીત રાણા અને તેના પતિએ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ખાનગી નિવાસની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી, જેના પછી પોલીસે કાર્યવાહી કરી હતી. એમપી/એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર.એન. રોકડેએ કેસમાં ડિસ્ચાર્જની માંગ કરતી રાણા દંપતીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સાક્ષીઓના નિવેદનોના આધારે અરજદારો વિરુદ્ધ પ્રાથમિક દૃષ્ટિએ પૂરતા પુરાવા છે. ન્યાયાધીશે કહ્યું કે આ રીતે આઇપીસીની કલમ ૩૫૩ હેઠળ અપરાધનો કેસ બને છે. અને આજે જ્યારે આરોપ ઘડવાનો હતો ત્યારે બંને કોર્ટમાં પહોંચ્યા ન હતા જેના કારણે જજ ગુસ્સે થયા હતા.