થાણે, ભગવાન રામને માંસાહારી કહેવાના વિવાદ બાદ એનસીપી (શરદ જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે માફી માંગી છે. શિરડીમાં કાર્યર્ક્તા સંમેલન દરમિયાન આવ્હાડે મીડિયાને કહ્યું- જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. તેઓ ચૂંટણી માટે શ્રી રામને લાવી રહ્યા છે, પરંતુ અમારા રામ અમારા હૃદયમાં છે.આવ્હાડે કહ્યું કે સત્ય ગમે તેટલું કડવું હોય, હું જનભાવનાને ધ્યાનમાં રાખીને માફી માગું છું, શરદ પવાર સાહેબે અમને આ જ શીખવ્યું છે! ઈતિહાસને વિકૃત કરવાનું મારું કામ નથી. પરંતુ મેં ગઈકાલે જે કહ્યું હતું તે વારંવાર કહેવામાં આવ્યું છે. રામ, ભગવાન શ્રી રામ, જેમને આપણે મહારાષ્ટ્રમાં પાંડુરંગ હરિ કહીએ છીએ. તે રામ વિશે વાત કરતી વખતે મેં કહ્યું હતું કે તેઓ માંસાહારી હતા.મેં અભ્યાસ વિના કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ હું કહું છું કે, હાલના દિવસોમાં અભ્યાસ નહીં પણ લાગણીઓ મહત્ત્વપૂર્ણ છે. આના પર હું કહીશ- જો ગઈકાલે મારા નિવેદનથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.
માફી માગતાં પહેલાં રાજ્યમાં ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. ભાજપના નેતા રામ કદમે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આવ્હાદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે ભગવાન રામ શાકાહારી નહીં પરંતુ માંસાહારી હતા. રામ ૧૪ વર્ષ સુધી વનવાસમાં હતા, તો પછી તેઓ શાકાહારી કેવી રીતે હોઈ શકે?
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું- રામ આપણા છે, બહુજનોના છે. ભગવાન રામ શિકાર કરીને ખાતા હતા. અમે પણ શ્રી રામના આદર્શોને અનુસરી રહ્યા છીએ. રામને આદર્શ તરીકે દર્શાવીને લોકો પર શાકાહારી ખોરાક થોપવામાં આવી રહ્યો છે.
એનસીપી નેતાએ બુધવારે (૩ જાન્યુઆરી) શિરડીમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓ શિરડીમાં બે દિવસીય પાર્ટી કાર્યર્ક્તા શિબિરમાં ગયા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રભરમાંથી એનસીપીના શરદ જૂથના કાર્યકરો પહોંચ્યા હતા. જિતેન્દ્ર આવ્હાડના નિવેદનને લઈને બુધવારે મોડી સાંજે ભારે હોબાળો થયો હતો. અજિત જૂથના એનસીપી કાર્યર્ક્તાઓએ થાણેમાં આવ્હાદના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ જિતેન્દ્ર આવ્હાદના ઘરે ભગવાન રામની તસવીર સાથે આરતી કરવા પહોંચ્યા હતા. તેઓએ ’જય શ્રી રામ’ અને ’જિતેન્દ્ર આવ્હાડ મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. તેમજ, ભાજપે કહ્યું છે કે આવ્હાદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.
આ ઘટના બાદ જિતેન્દ્ર આવ્હાડના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. જો કે, વિવાદનો અહીં અંત આવ્યો ન હતો. વિરોધીઓ સ્થળ પરથી જતાની સાથે જ જિતેન્દ્ર આવ્હાડના માણસોએ ગૌમૂત્રથી સ્થળ સાફ કર્યું હતું.