નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ફરી એકવાર દારૂ કૌભાંડ કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના સમન્સને ગેરકાયદે ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ તપાસ કરાવવાનો નથી, પરંતુ મને લોક્સભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે. અરવિંદ કેજરીવાલે ૪ મિનિટ ૧૦ સેકન્ડના વીડિયો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હકીક્તમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું. ધરપકડની પણ શક્યતા છે.
કેજરીવાલે કહ્યું, ’હેલો – લિકર સ્કેમ…તમે છેલ્લાં બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. ભાજપની ઘણી એજન્સીઓએ છેલ્લાં બે વર્ષમાં અનેક દરોડા પાડ્યા છે. અનેક લોકોની ધરપકડ કરી છે. પરંતુ હજુ સુધી એક પણ રૂપિયાની હેરફેર મળી નથી. ક્યાંયથી એક પૈસો પણ મળ્યો નથી. જો ભ્રષ્ટાચાર થયો હોત તો આટલા કરોડો રૂપિયા ક્યાં ગયા હશે? આટલા પૈસા હવામાં ગાયબ થઈ ગયા.
’સત્ય એ છે કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી. જો તે થયું હોત, તો તમને પૈસા મળ્યા હોત. તેઓએ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને આવા ખોટા કેસોમાં જેલમાં પૂર્યા છે. કોઈની સામે કોઈ પુરાવા નથી. કંઈ સાબિત થઈ રહ્યું નથી. ગુંડાગીરી ખુલ્લેઆમ ચાલી રહી છે. કોઈને પણ પકડીને જેલમાં નાખો.
’ભાજપ મારી ધરપકડ કરવા માગે છે. મારી સૌથી મોટી સંપત્તિ અને શક્તિ મારી પ્રામાણિક્તા છે. તેઓ ખોટા આક્ષેપો કરીને અને સમન્સ મોકલીને મને બદનામ કરવા માગે છે. મારી પ્રામાણિક્તા પર હુમલો કરવા માગે છે. તેઓએ મને સમન્સ મોકલ્યા છે. મારા વકીલોએ મને કહ્યું કે આ સમન્સ ગેરકાયદેસર છે. તપાસ એજન્સી આ ગેરકાયદેસર સમન્સનો જવાબ આપી રહી નથી. હકીક્તમાં ભાજપનો ઉદ્દેશ્ય તપાસ કરવાનો નથી, પરંતુ મને લોક્સભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે કેજરીવાલ હાજર થયા ન હતા. તેમના વતી ઈડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને ગણતંત્ર દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તમે તેમની પાસેથી જે પણ માંગવા ઇચ્છો છો, તે લેખિતમાં મોકલો. અગાઉ, ઈડીએ તેમને ૨ નવેમ્બર અને ૨૧ ડિસેમ્બરે હાજર થવા કહ્યું હતું. ત્યારબાદ, કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા અને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો. ૨૧ ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ ૧૦ દિવસની વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર ગયા હતા.
આ દરમિયાન,આતિષીએ ૩ જાન્યુઆરીએ રાત્રે ૧૧:૫૦ વાગ્યે પોસ્ટ કર્યું બે મિનિટ બાદ સૌરભ ભારદ્વાજે પણ પોતાની પોસ્ટ દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો. આતિશીએ ૨ નવેમ્બરે પણ ધરપકડનો દાવો કર્યો હતો આ પહેલીવાર નથી જ્યારે આપઁ નેતાઓએ કેજરીવાલની ધરપકડની આશંકા વ્યક્ત કરી હોય. આ પહેલાં આતિશીએ ૩૧ ઓક્ટોબરે કહ્યું હતું કે સીએમ કેજરીવાલની ૨ નવેમ્બરે ધરપકડ થઈ શકે છે. ઈડીએ ૨ નવેમ્બરે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ૨ નવેમ્બરની સવારે દિલ્હીમાં ભારે હોબાળો થયો હતો. રાજઘાટ પર પોલીસ વધારી દેવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે પૂછપરછ માટે ED ઓફિસ જતા પહેલાં સીએમ અરવિંદ કેજરીવાલ બાપુની સમાધિનાં દર્શન કરશે. જોકે, કેજરીવાલ ઈડીના સમન્સ પર હાજર થયા ન હતા. ઊલટું, તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવતો પત્ર લખ્યો હતો.આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા તેની ઓફિસમાં દારૂનીતિ કેસમાં લગભગ ૯.૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ સવારે ૧૧:૧૦ વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા અને ૮:૩૦ વાગ્યે એજન્સીની ઓફિસમાંથી બહાર આવ્યા હતા.
સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્ર્નોના જવાબ આપે છે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૂનું કૌભાંડ જૂઠ, બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આપ એક કટ્ટર પ્રામાણિક પક્ષ છે. અમે મરીશું પણ અમારી પ્રામાણિક્તા સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેઓ આપને ખતમ કરવા માંગે છે, પરંતુ દેશની જનતા અમારી સાથે છે. તેણે લગભગ ૫૬ પ્રશ્ર્નો પૂછ્યા.દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ નવી દારૂનીતિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નીતિથી દારૂની દુકાનો ખાનગી હાથોમાં જશે. જ્યારે સિસોદિયાને નવી પોલિસી લાવવાનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બે દલીલો આપી. પ્રથમ- માફિયા શાસનનો અંત આવશે. બીજું- સરકારી તિજોરીમાં વધારો થશે. નવી દારૂનીતિ ૨૦૨૧-૨૨ ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આ ધંધો ખાનગી હાથમાં ગયો. ઘણા મોટા ડિસ્કાઉન્ટને કારણે દારૂનું જંગી વેચાણ થયું હતું. તેનાથી સરકારી તિજોરીમાં વધારો થયો હતો, પરંતુ આ નવી નીતિનો વિરોધ થયો હતો.