મુંબઇ, આઇસીસીએ મેન્સ ટી ૨૦ ક્રિકેટર ઓફ ધ યર ૨૦૨૩ માટે નોમિનેશનની લીસ્ટ જાહેર કરી છે. વર્ષ ૨૦૨૩માં ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કરનાર ચાર ખેલાડીઓનું નામ આ લીસ્ટમાં સામેલ છે. આ લીસ્ટમાં ભારતીય ટીમનો t ૨૦ સ્પેશિયાલિસ્ટ ખેલાડી સૂર્યકુમાર યાદવ ટોપ પર છે. સૂર્યા સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, યુગાન્ડાના અલ્પેશ રામજાની અને ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેનનું નામ પણ નોમિનેટ કરવામાં આવ્યું છે.
સૂર્યકુમાર યાદવ આ વર્ષે પણ આ એવોર્ડ જીતવાનો સૌથી મોટો દાવેદાર છે. સૂર્યાએ વર્ષ ૨૦૨૩માં ટી ૨૦ની ૧૭ ઇનિંગ્સમાં ૪૮.૮૬ની એવરેજ અને ૧૫૫.૯૫ની સ્ટ્રાઈક રેટથી ૭૩૩ રન બનાવ્યા છે. સૂર્યાએ વર્ષ ૨૦૨૩ની શરૂઆત શ્રીલંકા સામે સદી ફટકારીને કરી હતી અને સાઉથ આફ્રિકા સામે ૫૬ બોલમાં સદી ફટકારીને વર્ષનું અંત પણ કર્યું હતું.
સૂર્યકુમાર યાદવને ઝિમ્બાબ્વેના સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રઝા ટક્કર આપી રહ્યો છે. રઝાએ વર્ષ ૨૦૨૩માં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. તેણે ટી ૨૦ની ૧૧ ઇનિંગ્સમાં ૫૧.૬૦ની એવરેજ અને ૧૫૦ની સ્ટ્રાઈકર રેટથી ૫૧૫ રન બનાવ્યા છે. આ સાથે તેણે ૧૪.૮૮ની બોલિંગ એવરેજથી ૧૭ વિકેટ પણ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડનો માર્ક ચેપમેન ૧૯ ઇનિંગ્સમાં ૪૪.૩ની બેટિંગ એવરેજ અને ૧૪૨ની સ્ટ્રાઇક રેટથી ૫૭૬ રન બનાવીને સૂર્યાને ટક્કર આપી રહ્યો છે. ચેપમેને આ દરમિયાન કેટલીક શાનદાર મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે. આ સિવાય યુગાન્ડાના અલ્પેશ રામજાનીએ ગયા વર્ષે ટી ૨૦માં ૮.૯૮ની શાનદાર બોલિંગ એવરેજ અને ૪.૭૭ના અવિશ્વસનીય ઈકોનોમી રેટ સાથે ૫૫ વિકેટ લીધી છે.