ત્રણ અઠવાડિયા પછી રશિયાનો યૂક્રેનની રાજધાની કિવ પર મિસાઇલમારો

  • કિવ ઉપર 14 ક્રુઝ મિસાઇલ ઝિંકાતા રહેણાક વિસ્તારોને નુકસાન
  • સપ્તાહમાં જી-7 શિખર અને નાટો બેઠક મળી રહી છે તે પહેલાં શહેરને બનાવ્યું નિશાન
  • ડોનબાસમાં નિષ્ફળ રહેલા જનરલને પુતિને પડતા મૂક્યા

પુતિને લગભગ ત્રણ સપ્તાહ પછી રવિવારે પહેલી વાર જ કિવ શહેર પર મિસાઇલમારો કર્યો હતો.

કિવ શહેર અને આસપાસના વિસ્તારો પર ઝીંકાયેલા 14 ક્રુઝ મિસાઇલને કારણે બે રહેણાક વિસ્તારને નુકસાન પહોંચ્યું હતું અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. કિવ પરના

મિસાઇલમારામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કિવ પર વીતેલા ત્રણ સપ્તાહથી કોઇ રશિયન હુમલો ના થતાં શાંતિનો માહોલ હતો. પાંચ જૂન પછી રવિવારે સવારે રશિયાએ શહેરને નિશાન બનાવ્યું હતું. સવારે સાડાછ વાગે જ સંખ્યાબંધ ધડાકા સંભળાયા હતા. બચાવ ટુકડીઓ આગને અંકુશમાં લેવા અને ઘાયલોને બચાવવા કામે લાગી ગઇ હતી. યૂક્રેનની મિસાઇલ સંરક્ષણ સિસ્ટમે એક મિસાઇલ તોડી પાડયું હતું. કિવના મેયરે જણાવ્યું હતું કે આગને અંકુશમાં લઇને તૂટી ગયેલી ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવા સઘળા પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સપ્તાહમાં જી-7 શિખર અને નાટો બેઠક મળી રહી છે તે પહેલાં શહેરને નિશાન બનાવવામાં આવ્યું છે.

લાંબા સમયથી રશિયન સૈન્ય પૂર્વ યૂક્રેનના ડોનબાસ પ્રદેશને જ નિશાન બનાવી રહ્યું હતું. ગઇકાલે રશિયાને આ પ્રદેશમાં નાનકડો વિજય મળ્યો હતો. રશિયન શહેરે વ્યૂહાત્મક શહેર સેવરોડોનેસ્ક પર કબજો કરી લીધો હતો. યૂક્રેનના સૈન્યે પણ વિસ્તારમાંથી પીછેહઠ કરી હતી.

ડોનબાસમાં નિષ્ફળ રહેલા જનરલને પુતિને પડતા મૂક્યા

તે અરસામાં ડોનબાસમાં નિષ્ફળ રહેલા રશિયન જનરલ એલેક્ઝાન્ડર દ્વોરનિકોવને પુતિને રૂખસદ આપી દીધી છે. એવું મનાઇ રહ્યું છે કે પુતિનનું કમાન્ડ માળખું તે રાહે નબળું પડશે. પુતિનનું આ પગલું તેમની હતાશા પણ જાહેર કરે છે. જનરલ એલેક્ઝાન્ડર દ્વોરનિકોવને વર્ષ 2015માં એલેપ્પોમાં મોટી સફળતા મળી હતી. જૂન મહિનો શરૂ થયો તે પછી પુતિન પોતાના સાત જનરલને રૂખસદ આપી ચૂક્યા છે. યૂક્રેન સાથેના યુદ્ધમાં અત્યારસુધીમાં રશિયાના 15 જનરલ્સ જીવ ગુમાવી ચૂક્યા છે. જનરલ એલેક્ઝાન્ડર દ્વોરનિકોવ યૂક્રેનમાં યુદ્ધનું સુકાન સંભાળી રહ્યા હતા. તેમના સ્થાને દક્ષિણ કમાન્ડના વડા તરીકે કર્નલ જનરલ સર્જેઇ સુરોવિકિનની વરણી કરવામાં આવી છે.

રશિયા બેલારૂસને પરમાણુ મિસાઇલ સિસ્ટમ પૂરી પાડશે

શનિવારે અને રવિવારે યૂક્રેનના વિવિધ વિસ્તારો પર રશિયા દ્વારા સંખ્યાબંધ મિસાઇલ ઝીંકવામાં આવ્યા હતા. તે પૈકી કેટલાક મિસાઇલ પહેલી જ વાર રશિયા દ્વારા બેલારૂસમાં તૈનાત ટીયુ-22 બોમ્બર્સમાંથી ઝીંકવામાં આવ્યા હતા. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને બેલારૂસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કો વચ્ચે સેન્ટ પરીટર્સબર્ગમાં શનિવારે થયેલી બેઠક પછી આ ઘટનાક્રમ આકાર પામ્યો હતો. બેઠક દરમિયાન પુતિને જાહેરાત કરી હતી કે રશિયા બેલારૂસને ઇસ્કન્દર એમ- મિસાઇલ પૂરા પાડશે. રશિયન ટીવી પર આ જાહેરાત કરવામાં આવી હતી. ઇસ્કન્દર મિસાઇલ તે ટૂંકી રેન્જના હાઇપર સોનિક ક્રુઝ મિસાઇલ છે. તે મિસાઇલ 310 માઇલની રેન્જ ધરાવે છે. બેઠકમાં પુતિને બેલારૂસને તેના લડાયક વિમાનોને પરમાણુ હથિયારોનું વહન કરવાની ક્ષમતા ધરાવતા કરી આપવાની ઓફર પણ કરી હતી.