૧૧ રાજ્યોમાં જેન.૧ વેરિયન્ટના ૫૦૦થી વધુ કેસ, ૨૪ કલાકમાં ૫ના મોત

નવીદિલ્હી, દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.૧ના કેસોમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કારણે ૫ દર્દીઓના મોત નીપજ્યા છે. ૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી ૧૧ રાજ્યોમાંથી જેએન.૧ના કુલ ૫૧૧ મામલા સામે આવ્યા છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર હેઠળ સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામે આ માહિતી આપી છે.

અહેવાલ અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૬૦૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ કેસોની સંખ્યા ૪,૫૦,૧૫,૧૩૬ (૪ કરોડ, ૫૦ લાખ ૧૫ હજાર ૧૩૬) પર પહોંચી છે. જો કે, સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ સક્રિય કેસ ૪,૪૪૦ હતા, જેમાં મંગળવારથી ૧૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૭૨૨ લોકો સ્વસ્થ થયા છે અને કુલ સાજા થયેલા કેસોની સંખ્યા ૪,૪૪,૭૭,૨૭૨ થઈ ગઈ છે.

કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ લોકોના મોત થયા છે, જેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. કર્નાટકમાં ગત ૨૪ કલાકમાં એક દર્દીની કોરોનાથી મોતની સૂચના છે. જ્યારે પંજાબમાં ૧, તમિલનાડુમાં ૧ અને ઓરિસ્સામાં ૧ દર્દીનું મોત નીપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ૧૧ રાજ્યોમાંથી જેએન.૧ વેરિયન્ટના કુલ ૫૧૧ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં અત્યાર સુધી સબ-વેરિયન્ટના ૧૯૯ કેસ નોંધાયા છે. તે જ સમયે, કેરળમાં ૧૪૮ કેસ, ગોવામાં ૪૭ કેસ, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાંથી ૩૨, તમિલનાડુમાં ૨૬, દિલ્હીમાં ૧૫ અને રાજસ્થાનમાં ૪, તેલંગાણામાં બે, ઓડિશા અને હરિયાણામાં એક-એક કેસ નોંધાયા છે.