રેઇડ બાદ પી.આઈ અને ૬ પોલીસ કર્મચારીઓને એસીબીનું તેડું

ઉના, ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર એસીબીની રેડનો મામલો હવે ગરમાયો છે. ઉનાના પી.આઈ અને ૬ પોલીસ કર્મચારીઓ ને એસીબીનું તેડું આવ્યું છે. એસીબી નોટિસ ફટકારી પીઆઇ અને ૬ પોલીસ કર્મીઓને હાજર રહેવા જણાવ્યું છે. જો કે ઉના એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં તર્કવિતર્ક થઇ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ દીવ નજીક આવેલ ઉના અહેમદપૂર માંડવી ચેકપોસ્ટ પર ગત ૩૦ ડીસેમ્બર ના રોજ સાંજના સમયે અચાનક રેઇડ કરી હતી. એસીબીની રેઇડ થતાં ચેકપોસ્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. જો કે સ્થળ પરથી અધિકારીનો વહિવટદાર પકડાઇ ગયો હતો પણ ૧૦થી વધુ પોલીસના માણસો ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથ તેમજ પોરબંદરની ટીમ ઉનામાં એક પોલીસ કર્મીના ઘેર દરોડા પાડી સર્ચ કર્યું હતું અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટના સીસી ટીવી પણ કબજે કર્યા હતા. ઝાંડી ઝાંખરામાંથી પોલીસની વર્દી પણ મળી આવતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.

જો કે હવે ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર એસીબીની રેડનો મામલો હવે ગરમાયો છે. ઉનાના પી.આઈ અને ૬ પોલીસ કર્મચારીઓ ને એસીબીનું તેડું આવ્યું છે.એસીબીના નિયામક બી.એલ. દેસાઈ દ્વારા નોટિસ ફટકારી છે. જેમાં ઉના પીઆઇ એન.કે.ગોસ્વામી સહિત ૬ પોલીસકર્મીને નોટિસ અપાઇ છે. તમામને ઉના પોલીસ મારફતે નોટિસ બજાવવામાં આવી છે.

બીજી તરફ ઉના પીઆઇ એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં તર્કવિતર્ક થઇ રહ્યા છે. એસીબીએ આ તમામ અધિકારીઓને હાજર થઇને નિવેદન લખાવવા જણાવ્યું છે.એસીબીની રડારમાં પીઆઇ એન.કે. ગોસ્વામી, એએસઆઇ નિલેશ છગનભાઈ મૈયા, એચસી અભેસીંગ ભવાનભાઇ,એચસી મહેશ ભગવાનભાઇ,પીસી રમેશ વેલજીભાઇ,પીસી ઉદેસિંહ જગમાલભાઈ પીસી હિરેન રમેશભાઇ છે જેમને નોટિસ અપાઇ છે.

ચેક પોસ્ટ પર થી એસીબીના હાથે ઝડપાયેલા કથિત વહીવટદાર નિલેશ તડવીએ એસીબી સમક્ષ વટાણા વેરી દીધા હતા. જેથી પોલીસ અધિકારીઓના પગ તળે રેલો આવી ગયો છે. એસ.પી. મનોહરસિંહ જાડેજા એ પણ એસીબીના રિપોર્ટ આવ્યે કડક કાર્યવાહીની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં ઉના પોલીસ તંત્રમાં નવાજુની થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.