પહેલાં રોડ બનાવાય છે પછી ગટરના નામે તોડી નંખાય છે, આવું નહીં ચલાવી લેવાય, મુખ્યમંત્રી

ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રીએ નગરપાલિકાઓમાં ચાલતા વહીવટની પોલ ખોલતાં કહ્યું હતું કે શહેરમાં પહેલાં રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે. આવું કોઇપણ ભોગે ચાલે તેમ નથી. તેમણે કહ્યું કે સારૂં આયોજન કરશો તો અહીં (સરકાર પાસે)થી પૈસા મળશે.

રાજ્યના શહેરી વિકાસ માટેના ૨૦૮૪ કરોડના ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પર ઘણાં કટાક્ષ કર્યા હતા અને કહ્યું હતું કે જે કામ કરો તે આયોજનબદ્ધ કરો. કેટલીક બાબતો યોગ્ય હોતી નથી. આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે.કામની ક્વોલિટીમાં કોઇ બાંધછોડ કરવાની નથી. બે મહિના કામ મોડું થશે તો ચાલશે પરંતુ તેની ગુણવત્તા જળવાઇ રહેવી જોઇએ. ઘણીવાર એવું બને છે કે કોઇ નેતા મેયર બની જાય એટલે તેમના જ વોર્ડમાં વિકાસના કામો કરાવે છે પરંતુ તેવું ચાલે નહીં. ધારાસભ્ય બન્યા એટલે પાલિકા કબજો જમાવે તેવું પણ ચાલે નહીં. વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ૧૬૯ નગરપાલિકાની હાલત કથળેલી છે. આ સંસ્થાઓ સમયસર વીજળી અને પાણીના બિલ ભરી શક્તી નથી. ગ્રાન્ટના નાણાં ક્યાં ચવાઇ જાય છે તેની ખબર પડતી નથી. લોકોની સુખાકારીના કામો થાય તેટલું બજેટ પણ પાલિકાઓ પાસે હોતું નથી. શહેરી સંસ્થાઓની દયામણી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ શાસનર્ક્તાઓ સામે અનેક કટાક્ષ કર્યા હતા.

રાજયના મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ રકમના ચેક અપાયા હતા.અમદાવાદ મ્યુનિ.તંત્રને રુપિયા ૭૩૫ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો.ચેક વિતરણ બાદ મુખ્યમંત્રીએ મહાનગર પાલિકા અને પાલિકા તંત્રને પહેલા રોડ બને પછી ગટરલાઈન નાંખવામાં આવે છે આ પ્રકારની કામગીરી થવી ના જોઈએ એવી ટકોર કરી હતી. ઉપરાંત કામ ભલે બે મહિના મોડુ થાય પણ ગુણવત્તામાં બાંધછોડ ના કરતા એવી ટીપ્પણી પણ કરી હતી. વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે,રાજયના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ ટકોર અમદાવાદ મ્યુનિ.ભાજપ સત્તાધીશો અને વહીવટી તંત્ર માટે શરમજનક હોવાનો આક્ષેપ કર્યો હતો.