હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના સીલબંધ બાથરૂમની સફાઈની માંગ કરી, સુપ્રીમે વહેલી સુનાવણીની ખાતરી આપી

  • વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર તે જગ્યાને સીલ કરી દેવામાં આવી છે.

નવીદિલ્હી, કાશી વિશ્વનાથ -જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં, હિન્દુ પક્ષે મસ્જિદના સીલબંધ બાથરૂમની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે આ મામલે વહેલી તકે સુનાવણી કરવામાં આવે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બુધવારે (૩ જાન્યુઆરી) હિન્દુ પક્ષને વહેલી સુનાવણીની ખાતરી આપી છે. માછલીઓના મોતથી રસોડામાં ગંદકી ફેલાઈ છે.

હકીક્તમાં વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર તે જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. જેના કારણે તેમાં હાજર માછલીઓએ જીવ ગુમાવ્યો હતો. આ જ કારણ છે કે હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે શૌચાલયના સમગ્ર વિસ્તારને સાફ કરવાની જરૂર છે જેથી ત્યાં સ્વચ્છતા જાળવી શકાય. આ સંદર્ભમાં, કોર્ટને વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને શૌચાલય સાફ કરવા માટે નિર્દેશ આપવા કહેવામાં આવ્યું હતું.

હિંદુ પક્ષે પોતાની અરજીમાં કહ્યું હતું કે ૧૨ થી ૨૫ ડિસેમ્બર, ૨૦૨૩ની વચ્ચે તળાવની માછલીઓ મૃત્યુ પામી હતી. જેના કારણે દુર્ગંધ આવવા લાગી છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ’ત્યાં હાજર શિવલિંગ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર છે. તેથી, તેને કોઈપણ પ્રકારની ધૂળ, ગંદકી અને મૃત પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ. તેને સાફ કરવું જોઈએ. પરંતુ હાલમાં તે મૃત માછલીઓથી ઘેરાયેલું છે, જેના કારણે ભગવાન શિવમાં માનનારા ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.

આ અરજી વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવી છે. વધુમાં એવું કહેવામાં આવ્યું છે કે માછલીઓના મૃત્યુ માટે જ્ઞાનવાપી સંકુલમાં મસ્જિદનું સંચાલન કરતી અંજુમન અંતેજામિયા મસ્જિદ પ્રબંધન સમિતિ જવાબદાર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટની વિનંતી પર માછલીઓને સ્થાનાંતરિત કરવામાં આવી હોત તો આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ન હોત. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વજુખાનાનો ભાગ ૨૦૨૨માં સીલ કરવામાં આવ્યો હતો.