દેશમાં ઠંડીનો કહેર, સ્કૂલો બંધ, ટ્રેનો મોડી, ફ્લાઈટ ડાયવર્ટ, વરસાદ અને ઠંડીના ચમકારાની આગાહી

  • દિલ્હી એનસીઆર સહિત યુપી, બિહાર અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ સર્જાઈ

નવીદિલ્હી, મંગળવારની રાત આ વર્ષની સૌથી ઠંડી રાત રહી છે. લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો અને આજે છ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. મહત્તમ તાપમાન પણ ૧૬ ડિગ્રી સુધી ગગડી ગયું હતું. જેના કારણે દિલ્હી એનસીઆર સહિત યુપી, બિહાર અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશમાં પણ ઠંડીના કારણે ગંભીર સ્થિતિ હતી. આ વર્ષમાં પહેલીવાર થુસારા પણ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાનની ગતિવિધિઓ પર નજર રાખતી વેબસાઇટ સ્કાયમેટ વેધર ડોટ કોમના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે. સંકળાયેલ ચક્રવાત પરિભ્રમણ મધ્ય-ટ્રોપોસ્ફેરિક સ્તર સુધી વિસ્તરે છે. ૪ જાન્યુઆરી સુધીમાં તે ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આ કારણે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, ઝાંસી, પ્રયાગરાજ, આગ્રા, જાલૌન, મહોબા, ઈટાવા, લલિતપુર, બાંદા, સોનભદ્ર અને મિર્ઝાપુરમાં વરસાદની આગાહી કરી છે.

વેબસાઈટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો મોટો હિસ્સો ગાઢ ધુમ્મસની લપેટમાં રહ્યો હતો. હરિયાણા, દિલ્હી અને બિહાર, ઝારખંડના જુદા જુદા ભાગોમાં સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે. પંજાબ અને હરિયાણામાં ઠંડીના મોજાને જોતા સત્તાવાર રીતે કોલ્ડ ડે જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્યપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારો પણ ઠંડીની લપેટમાં રહ્યા હતા.હવામાન વિભાગે લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવી જ રીતે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ૪ જાન્યુઆરીથી વરસાદ પડી શકે છે. જોકે પંજાબ અને હરિયાણામાં આગામી ૪૮ કલાક સુધી ગાઢ ધુમ્મસ રહેશે. આવી જ સ્થિતિ ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી રહેવાની છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્યપ્રદેશ, બિહાર સહિત સમગ્ર ઉત્તર પૂર્વ ભારત ગાઢ ધુમ્મસ હેઠળ રહેશે. દેશમાં નવા વર્ષની શરૂઆતથી જ શિયાળાની આકરી અસર જોવા મળી રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. ઘણી ટ્રેનો અને ફ્લાઈટોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ગ્રેટર નોઇડા નોઇડા જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માએ તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જાહેર હિતમાં આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને ગૌતમ બુદ્ધમાં ચાલતી તમામ બોર્ડ-સંલગ્ન શાળાઓમાં (ક્લાસ નર્સરીથી ૮ સુધી) ૬ જાન્યુઆરી સુધી રજાઓના આદેશો જાહેર કર્યા છે. આ સિવાય દિલ્હી, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં પણ આવા જ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.રાજધાની દિલ્હીમાં નવા વર્ષની શરૂઆતથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને ૬ જાન્યુઆરી સુધી તેનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે દિલ્હીમાં શિયાળુ વેકેશન ૬ દિવસનું છે કારણ કે નવેમ્બર મહિનામાં પ્રદૂષણને કારણે શાળાઓ બંધ કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપને જોતા યુપી સરકારે ૩૧ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. આ સિવાય રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડીના કારણે ૨૫ ડિસેમ્બરથી શાળાઓમાં રજાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં ૬ જાન્યુઆરીએ શાળાઓ ખોલવામાં આવશે. હરિયાણામાં ૧૫ જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન રહેશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પહાડી રાજ્યમાં ઠંડી અને હિમવર્ષાના કારણે લોકોની હાલત ખરાબ છે. ડિરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન જમ્મુએ તમામ શાળાઓને ૨૯મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. તીવ્ર ઠંડી અને ધુમ્મસની અસર ટ્રેનો પર પણ જોવા મળી રહી છે. જેના કારણે મંગળવારે દિલ્હીમાં ૨૬ ટ્રેનો મોડી પડી હતી. ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની અસર ફ્લાઈટ્સ પર પણ જોવા મળી હતી. જેના કારણે દેશમાં ઘણી જગ્યાએ ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.